આપને શું લાગ્યો ઝટકો ? જુઓ
સુપ્રીમ કોર્ટે શું આદેશ કર્યો ?
લોકસભાની ચુંટણી પહેલા આમ આદમી પાર્ટી માટે માઠા સમાચાર આવી રહ્યા છે. કેજરીવાલને સમન્સ અપાઈ રહ્યા છે અને હવે પાર્ટીની મુખ્ય કચેરી નિશાન પર આવી ગઈ છે. દીલ્હીનાં રાઉઝ એવન્યુ ખાતે ગેરકાયદેસર રીતે જમીન પર કબજો કરીને બનાવાયેલી પાર્ટીની કચેરી ખાલી કરવાનો સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો હતો. 15 જૂન સુધીમાં કચેરી ખાલી કરવાની રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પાર્ટીએ ઓફિસ માટે જમીન માટે કેન્દ્રને અરજી કરવી જોઈએ આ જમીન દિલ્હી હાઇકોર્ટને આપવામાં આવેલી જમીન પર અતિક્રમણ છે. આ જમીનનો હેતુ રાઉઝ એવન્યુ કોર્ટ માટે વધારાનો કોર્ટરૂમ બનાવવાનો છે. આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમે તમને વધારાનો સમય આપી રહ્યા છીએ.
સુનાવણી દરમિયાન આપ તરફથી અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીને 2015માં આ જમીન ફાળવાઈ હતી. 6 રાષ્ટ્રીય પક્ષોમાંના એક હોવાને કારણે, આમ આદમી પાર્ટી મુખ્ય મથક માટેના પ્લોટ માટે હકદાર છે. ચૂંટણી પહેલા અમને રસ્તા પર ન લાવી શકાય. કોર્ટના આદેશ મુજબ, 15 ફેબ્રુઆરીએ એક બેઠક યોજાઇ હતી, રાજ્ય સરકારે ખાતરી આપી હતી કે પ્લોટ બે મહિનામાં ખાલી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટે આપને એવી સૂચના પણ આપી હતી કે પાર્ટીના કાર્યાલય માટે બીજા પ્લોટ માટે જમીન વિકાસ કાર્યાલયનો સંપર્ક કરવાનો રહેશે. એ જ રીતે અદાલતે જમીન વિકાસ કચેરીને પણ કહ્યું હતું કે તે પાર્ટીના આગ્રહ પર 4 સપ્તાહમાં ફેસલો લઈ લે. અદાલતે આપની હરકત પર નારાજગી પણ જાહેર કરી હતી અને કહ્યું હતું કે હાઇકોર્ટને તેની જમીન પાછી આપવી જ જોઈએ.