ટેરિફ અંગે ટ્રમ્પે અમેરિકી જનતાને શું સધિયારો આપ્યો ? વાંચો
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે અમેરિકાને તેમની નવી ટેરિફ નીતિથી એટલી બધી આવક થશે કે પછી અમેરિકાના લોકોએ આવકવેરો ભરવાની જરૂર જ નહીં રહે. આ માટે એમણે અનેક દલીલો પણ કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે 1800 ના દાયકાના અંતના સમયનો હવાલો આપતા કહ્યું કે તે સમયે અમેરિકા ફક્ત ટેરિફ દ્વારા પૈસા કમાતું હતું અને ત્યારે આપણો દેશ વિશ્વનો સૌથી ધનિક રાષ્ટ્ર હતો. જોકે હવે હાલના સમયમાં આ એક એવી તક છે કે આપણે એટલા બધા પૈસા કમાઈ શકીએ છીએ કે તેના બાદ આવકવેરો ચૂકવવાની જરૂર જ નહીં રહે.
ઉલ્લેખનીય છે કે આવકવેરામાં કોઈપણ ફેરફાર ફક્ત અમેરિકન કોંગ્રેસ દ્વારા જ કરી શકાય છે, કારણ કે તેને કર નીતિ બનાવવાનો અધિકાર છે. ટ્રમ્પે કહ્યું કે અમે ટેરિફમાંથી એકત્ર થયેલા નાણાંનો ઉપયોગ ટિપ્સ અને સામાજિક સુરક્ષા પરના કરને નાબૂદ કરવા અને તેમના અન્ય ચૂંટણી વચનોને પૂર્ણ કરવા માટે કરી રહ્યા છે.
ટ્રમ્પે દાવો કર્યો કે 1880ના દાયકામાં એક સમિતિ બનાવાઈ હતી જેનું કામ એ હતું કે નક્કી કરે કે ટેરિફથી ભેગા કરેલા પૈસાનું શું કરીએ, કોને આપીએ. 1913માં આ લોકોએ હોંશિયારીપૂર્વક ઈનકમ ટેક્સ સિસ્ટમ લાગુ કરી દીધી. પછી 1931-32માં ફરી ટેરિફ પાછો લાવવા પ્રયાસ કર્યો પણ ત્યાં સુધી મોડું થઇ ગયું હતું. લોકો ગ્રેટ ડિપ્રેશન માટે ટેરિફને દોષ આપે છે. જોકે ડિપ્રેશન તો પહેલા જ આવી ગયું હતું.