વર્લ્ડ બેન્કે ભારત વિષે શું કહ્યું ? જુઓ
- કેવી રીતે કર્યા વખાણ ?
વર્તમાન સમયમાં વૈશ્વિક અર્થતંત્ર પડકારો અને અનિશ્ચિત્તતાઓ સામે લડી રહ્યું છે ત્યારે બીજી બાજુ ભારત આશાની કિરણ બનીને ઊભરી આવ્યું છે. ભારત ધીમી ગ્લોબલ રિકવરી વચ્ચે આર્થિક મોરચે શાનદાર પ્રદર્શન કરી રહ્યું છે. આ બારામાં વર્લ્ડ બેન્કના મેનેજિંગ ડાયરેક્ટર ઓફ ઓપરેશન એના બેજરડેએ મીડિયા સાથે વાતચીતમાં એમ કહ્યું હતું કે ભારત ઝડપથી વિકસી રહ્યું છે.
એમણે એમ કહ્યું હતું કે જો 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનવું હોય તો તેણે સતત 8 ટકાનો વૃધ્ધિ દર જાળવી રાખવો પડશે. અત્યારે ભારત 6 થી 7 ટકાના વિકાસ દર સાથે વિશ્વમાં સૌથી આગળ છે. દુનિયાભરમાં આર્થિક પડકારો છે ત્યારે ભારતે ઊંચું વિકાસ દર સાથે દેશને ખૂબ સારી સ્થિતિમાં રાખ્યું છે. પણ વિકસિત ભારત માટે 8 ટકાનો વિકાસ દર સતત જરૂરી બનશે.
એમણે એવી સલાહ પણ આપી હતી કે ઊચું વિકાસ દર જાળવવા માટે રિન્યુએબલ એનર્જી પર પૂરતું ધ્યાન આપવું જોઈએ. આર્થિક વિકાસમાં ઉર્જા પરિવર્તનની મહત્વની ભૂમિકા રહી છે. આજે દરેક દેશ તેના વિષે વિચારી રહ્યા છે. જો કે ભારતે આ દિશામાં ઘણો બદલાવ કરી લીધો છે.
આ ઉપરાંત લોજિસ્ટિક અને ડિજિટલ કનેક્ટિવિટીના મહત્વનો સ્વીકાર કરીને એમણે કહ્યું હતું કે અમે ભારત સાથે આ દિશામાં આગળ વધી રહ્યા છીએ. રેલવે કનેક્ટિવિટીના પણ એમણે વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે ભારતે આ દિશામાં ઘણું સારું કામ કર્યું છે.