યુપીની સરકારને બુલડોઝર કાર્યવાહી અંગે સુપ્રીમ કોર્ટે શું કહ્યું ? શું આદેશ આપ્યો ? જુઓ
- બુલડોઝર એક્શન અંગે યુપી સરકારને સુપ્રીમ કોર્ટની ફટકાર
- જે લોકોના ઘર તોડી નાખ્યા છે એમને ફરીથી બાંધીને આપો; કાયદેસર કાર્યવાહી કરવાની સરકારને તાકિદ કરી
સુપ્રીમ કોર્ટે પ્રયાગરાજમાં કાયદેસર પ્રક્રિયાનું પાલન કર્યા વિના બુલડોઝર વડે લોકોના ઘર પાડવાના મામલે સખત કોમેન્ટ કરી હતી. કોર્ટે બુધવારે સુનાવણી દરમિયાન ઉત્તર પ્રદેશ સરકારને ખૂબ ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ‘આ પ્રકારની કાર્યવાહી ચોંકાવનારી છે. સુનાવણી દરમિયાન જસ્ટિસ અભય ઓક અને એન કોટિશ્વર સિંહની બેન્ચે ઘર તોડવાના પગલાને અત્યાચારી ગણાવ્યું છે. સાથે જ કોર્ટે એ પણ કહ્યું છે કે ‘સરકારે લોકોને મકાન પાછા બનાવીને આપવા પડશે.’
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું, ‘પ્રથમ દ્રષ્ટિએ, આ કાર્યવાહી ચોંકાવનારી છે અને ખોટો મેસેજ આપે છે. તેને ઠીક કરવાની જરૂર છે. તમે ઘરોને તોડીને આવા એક્શન કેમ લઈ રહ્યાં છો. અમે જાણીએ છીએ કે આ પ્રકારના ટેકનિકલ તર્કોથી કેવી રીતે ઉકેલ મેળવવાનો છે. આખરે કલમ 21 અને આશ્રયના અધિકાર જેવી કોઈ બાબત હોય છે.’
સુપ્રીમ કોર્ટમાં જુલ્ફિકાર હૈદર, પ્રોફેસર અલી અહેમદ, બે વિધવાઓ અને એક અન્ય વ્યક્તિની અરજી પર સુનાવણી થઈ હતી, જેમણે સરકાર પર ગેરકાયદેસર રીતે ઘરોને પાડવાનો આરોપ લગાવ્યો છે. સરકારના જણાવ્યા અનુસાર, જમીન ગેંગસ્ટર-રાજનેતા અતીક અહેમદની હતી, જે 2023માં હુમલામાં મૃત્યુ પામ્યો હતો.
કોર્ટે કહ્યું કે ધ્વસ્ત કરવામાં આવેલા ઘરોનું પુનર્નિર્માણ કરવું પડશે. જો તમે સોગંદનામું દાખલ કરીને વિરોધ કરવા ઈચ્છો છો તો ઠીક છે, નહીંતર બીજી રીત એ હશે કે તેમને મકાન નિર્માણ કરીને આપવામાં આવે અને હવે પછી કાયદા અનુસાર તેમને નોટિસ આપવામાં આવે.’