વડાપ્રધાને બિહારની સભાઓમાં શું કહ્યું ? જુઓ
વડાપ્રધાને બિહારમાં 3 શહેરોમાં રેલીઓ સંબોધી ઈન્ડિયા બ્લોકના નેતાઓને ફટકાર્યા : જીવની બાજી લગાવીશ પણ અનામત ઝૂટવા નહીં દઉં
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે બિહારના પ્રવાસના બીજા દિવસે 3 શહેરોમાં સભાઓ સંબોધી હતી અને ઈન્ડિયા બ્લોકના નેતાઓને પાક અંગે આક્રમક જવાબ આપ્યો હતો. મુઝફ્ફરપુરમાં જાહેર સભામાં મોદીએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના અને ફારૂક અબ્દુલ્લાના પાકિસ્તાન તરફી નિવેદન પર પ્રહારો કર્યા અને જડબાતોડ જવાબ આપીને કહ્યું, હતું કે ‘જો પાકિસ્તાને બંગડીઓ નથી પહેરી તો અમે પહેરાવી દેશું. આ સિવાય તેમણે લાલુ પરિવાર પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું, રાજદએ માત્ર પરિવારવાદ ચલાવ્યો છે બિહારમાં આરજેડીનું જંગલરાજ હતું.
આ ઉપરાંત મોદીજીએ અનામત અંગે એવું વચન આપ્યું હતું કે જીવની બાજી લગાવી દઇશ પણ કોઈને અનામત ઝુંટવી લેવાની પરવાનગી આપીશ નહીં. અનામત પર જેનો હક છે તેને જ મળશે.
મોદીએ હાજીપુરમાં જનસભાને પણ સંબોધી હતી. આ દરમિયાન તેમણે કહ્યું, ‘તમારો મત કેન્દ્રમાં મજબૂત મોદી સરકાર બનાવશે. આરજેડી, કોંગ્રેસ અથવા ભારતીય ગઠબંધનને આપવામાં આવેલ વોટ કોઈપણ રીતે વેડફાઈ જશે. તેથી, સરકાર બનાવવા માટે તમારો મત આપો, દેશના નિર્માણ માટે આપો, તમારા બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આપો.
એમણે કહ્યું, ‘મોદીએ તમને બમણો ફાયદો કરાવવા માટે બીજી સ્કીમ બનાવી છે. આ સ્કીમથી તમારું વીજળીનું બિલ શૂન્ય થઈ જશે. આ યોજનાનું નામ છે સૂર્યઘર મફત વીજળી યોજના. આ હેઠળ, સરકાર તમને છત પર સોલાર પેનલ લગાવવા માટે 75 હજાર રૂપિયા આપશે, તમે જેટલી વીજળીની જરૂર હોય તેટલી વીજળીનો ઉપયોગ કરો, બાકીની વીજળી સરકારને વેચો, એટલે કે ઝીરો વીજળી બિલ અને તેની સાથે આવક.
મોદીએ કહ્યું, ‘કોંગ્રેસના સમયમાં એક એલઇડી બલ્બની કિંમત 400 રૂપિયા હતી, મોદીએ તેની કિંમત 40-50 રૂપિયા કરી દીધી. દરેક ઘરમાં સસ્તા એલઇડી બલ્બ પહોંચાડીને સરકારે ગરીબ અને મધ્યમ વર્ગના વીજળીના બિલમાં 20 હજાર કરોડનો ફાયદો કરાવી દીધો છે.