વડાપ્રધાને શું કહ્યું તેલંગણામાં, કોના પર પ્રહાર કર્યા ? વાંચો
વડાપ્રધાન મોદીએ તેલંગણાની મુલાકાત લીધી હતી અને ચુંટણી પ્રચારને આગળ વધાર્યો હતો. સભા સંબોધતા એમણે મોટો દાવો કરીને કહ્યું કે, મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ બીજેપી સાથે ગઠબંધન કરવા માંગતા હતા. પરંતુ અમે એ થવા ન દીધું. વડાપ્રધાને બે શહેરોમાં સભાઓ સંબોધી હતી. એમણે તિરૂપતિ મંદિરમાં પૂજા પણ કરી હતી. અહીં 30 મી તારીખે મતદાન થશે.
મોદીએ તેલંગણાના મહબૂબાબાદમાં ચૂંટણી રેલી કરતા કહ્યું કે, કેસીઆરને બીજેપીની વધતી તાકાતનો પરચો ઘણા સમય પહેલા જ થઈ ગયો હતો. લાંબા સમયથી કેસીઆર એ પ્રયત્ન કરી રહ્યા હતા કે, કેવી રીતે બીજેપી સાથે મિત્રતા કરવી. જ્યારે તેઓ એક વખત દિલ્હી આવ્યા હતા તો મારી સાથે મુલાકાત કરીને કેસીઆર એ રિકવેસ્ટ કરી હતી. પરંતુ બીજેપી તેલંગાણાના લોકોની ઈચ્છા વિરુદ્ધ કોઈ પણ કામ ન કરી શકે. તેમણે આવો દાવો પહેલા પણ ઘણી વખત કર્યો છે.
એમણે આગળ કહ્યું કે, જ્યારથી બીજેપીએ કેસીઆરને ગઠબંધનનો ઈનકાર કરી દીધો છે ત્યારથી બીઆરએસ અકળાયેલી છે અને મને અપ શબ્દો બોલવાની કોઈ તક નથી છોડતી. અમારી પાર્ટી તેલંગાણાને બીઆરએસના ચંગુલમાંથી છોડાવવાની પોતાની જવાબદારી સમજે છે.
મોદીએ નિશાન સાધતા કહ્યું કે, બીઆરએસ ચીફ કેસીઆર એ અહીં જે પણ કૌભાંડ કર્યા છે તેનું બીજેપી સરકાર સત્તામાં આવ્યા બાદ તપાસ કરાવશે. બીઆરએસ ના ભ્રષ્ટ લોકોને જેલ હવાલે કરવાનો અમે સંકલ્પ કર્યો છે.
મોદીએ દાવો કર્યો કે તેલંગાણાના લોકો કેસીઆર સરકારને ઉખેડી ફેંકવા માટે તૈયાર છે. કેટલાક લોકો તેલંગાણામાં કોંગ્રેસ અંગે પણ ભ્રમ ફેલાવી રહ્યા છે પરંતુ સત્ય એ છે કે, કોંગ્રેસ અને કેસીઆર બંને તેલંગાણાને બરબાદ કરવામાં સમાન પાપી છે. આ કારણોસર તેલંગાણાના લોકો એક બીમારીને હટાવીને બીજી બીમારીને પ્રવેશ ન આપી શકે.