બિહારમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
કોંગ્રેસ પર શું કર્યો હુમલો ?
વડાપ્રધાન મોદીએ ગુરુવારે બિહારનો પ્રવાસ કરી ચુંટણી પ્રચારની શરૂઆત કરી હતી. જમુઈ ખાતે વિરાટ સંખ્યામાં લોકો સભામાં આવ્યા હતા અને વડાપ્રધાને વિપક્ષને આડે હાથ લીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ અને રાજદે દેશનું નામ ખરાબ કર્યું છે. ભ્રષ્ટાચાર અને પરિવારવાદ આચર્યો છે.
નામ લીધા વિના લાલુ પરિવાર પર નિશાન ટાંકીને મોદીએ કહ્યું હતું કે અહીંયા નેતાઓએ નોકરી આપવા માટે જમીનો લખાવી લીધી. અમે બધા જ વર્ગના કલ્યાણ માટે કામ કરી રહ્યા છીએ અને મોદી ગરીબોના દર્દથી વાકેફ છે. અમે ગરીબો માટે ઘણું કામ કર્યું છે અને આવનારા દિવસોમાં પણ એમના માટે કામ ચાલુ જ રહેશે.
આતંકવાદનો ઉલ્લેખ કરીને એમણે કહ્યું હતું કે પહેલા નાના દેશો ભારત ઉપર આતંકી હુમલા કરતાં હતા અને કોંગ્રેસ બીજા દેશો પાસે ફરિયાદ લઈને જતી હતી. પણ મોદી સત્તામાં આવ્યા તો કહ્યું કે આ રીતે નહીં ચાલે. આજે ભારત ઘરમાં ઘૂસીને આતંકીઓને મારે છે. આજે ભારત સુરક્ષિત છે અને લોકોને શાંતિનો અનુભવ થઈ રહ્યો છે.
એમણે કહ્યું કે આજનું ભારત એક નવું ભારત છે . દુનિયા જોઈ રહી છે કે 10 વર્ષમાં ભારત ક્યાંથી ક્યાં પહોંચી ગયું અને સતત વિકાસ કરીને પોતાની હેસિયત વધારી લીધી છે. આજે ભારત દુનિયાની 5 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે.