પોલીસ વડાઓના સંમેલનમાં વડાપ્રધાને શું કહ્યું ? શું સલાહ આપી ? જુઓ
પોલીસ વડાઓના સંમેલનમાં વડાપ્રધાન મોદીએ સાયબર ક્રાઇમ સામે સાવધ રહેવાની સલાહ આપી; પોલીસના વખાણ કર્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ડિજિટલ છેતરપિંડી, સાયબર અપરાધ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેક્નોલોજી દ્વારા સંભવિત જોખમો પર ચિંતા વ્યક્ત કરી હતી, ખાસ કરીને સામાજિક અને પારિવારિક સંબંધોને વિક્ષેપિત કરવા માટે ‘ડીપફેક્સ’ની ક્ષમતા સામે સાવધાન રહેવા જણાવ્યું હતું. વડાપ્રધાને પોલીસના વખાણ પણ કર્યા હતા.
ભુવનેશ્વર ખાતે પોલીસમહાનિર્દેશકો/ઇન્સ્પેક્ટર જનરલોની 59મી અખિલ ભારતીય પરિષદના સમાપન સત્રને સંબોધતા વડા પ્રધાને પોલીસના કામના ભારણને ઘટાડવા માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાની હાકલ કરી હતી. આ સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહ અને એનએસજી અજીત ડોભાલ પણ હાજર રહ્યા હતા.
તેમણે સૂચન કર્યું કે પોલીસ સ્ટેશનોને સંસાધન ફાળવણીનું કેન્દ્રબિંદુ બનાવવું જોઈએ. મોદીએ સુરક્ષા પડકારોના રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિમાણો પર વ્યાપક ચર્ચાને રેખાંકિત કરી અને કોન્ફરન્સ દરમિયાન ઉભરી આવેલી કાઉન્ટર વ્યૂહરચના પર સંતોષ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાન મોદીએ ડિજિટલ છેતરપિંડી, સાયબર ક્રાઇમ અને એઆઈ ટેક્નોલૉજી દ્વારા ઉદ્ભવતા સંભવિત જોખમોનો સામનો કરવા માટે દેશની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મહત્વાકાંક્ષી ભારતની બેવડી એઆઈ શક્તિનો ઉપયોગ કરીને પડકારને તકમાં ફેરવવા માટે પોલીસ નેતૃત્વને આહ્વાન કર્યું હતું. શહેરી પોલીસિંગને મજબૂત કરવા માટે લીધેલા પગલાંની પ્રશંસા કરી અને દરેક પહેલને દેશના 100 શહેરોમાં સંકલિત અને સંપૂર્ણ રીતે લાગુ કરવા સૂચન કર્યું.
તેમણે ‘સ્માર્ટ’ પોલીસિંગના મંત્રને વિસ્તાર્યો અને પોલીસને વ્યૂહાત્મક, સતર્ક, અનુકૂલનક્ષમ, વિશ્વસનીય અને પારદર્શક બનવાનું આહ્વાન કર્યું. ‘સ્માર્ટ’ પોલીસિંગનો વિચાર વડાપ્રધાન દ્વારા 2014માં ગુવાહાટીમાં આયોજિત કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો.