ખેડૂત સંગઠનોએ શું કરી જાહેરાત ? વાંચો
પોતાની માંગણી પર અડગ રહેલા આંદોલિત ખેડૂત સંગઠનોએ ફરી કેન્દ્ર સરકાર વિરુદ્ધ બાંયો ચઢાવી ત્રણ નવા ફોજદારી કાયદાને લઈ સોમવારે મોટી જાહેરાત કરી હતી. કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાએ ત્રણ નવા ફોજદારી કાયદાનો વિરોધ કરવાનો અને દિલ્હી કૂચ કરવાની જાહેરાત કરી હતી. બોર્ડર ખૂલતાંની સાથે જ કૂચ કરવાની અપીલ કરાઇ છે.
ખેડૂત સંગઠનો દ્વારા 15 ઓગસ્ટના રોજ સ્વતંત્રતા દિવસે દેશભરમાં ખેડૂત રેલી યોજવાની જાહેરાત કરવાની સાથે ખેડૂતોને સંઘુ અને શંભુ સહિત દિલ્હીની તમામ બોર્ડર પર પહોંચવાની અપીલ કરવામાં આવી છે. બંને મોરચા દ્વારા એવો પણ નિર્ણય લેવાયો છે કે, ટ્રેક્ટર માર્ચ કરતી વખતે નવા ફોજદારી કાયદાની કોપી પણ સળગાવવામાં આવશે.
પહેલી ઓગસ્ટે પુતળા દહન કાર્યક્રમ
ખેડૂત સંગઠનોએ નિર્ણય લીધો છે કે, પહેલી ઓગસ્ટના રોજ મોદી સરકાર ના પુતળાનું દહન કરવામાં આવશે. આ દરમિયાન એમએસપી પર કાનૂની ગેરંટી મેળવવા માટે જિલ્લા મુખ્યાલયો પર પ્રદર્શન કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ખેડૂતોએ રણનીતિ બનાવી છે કે, 15 ઓગસ્ટે દેશભરમાં ટ્રેક્ટર માર્ચ યોજવામાં આવે. આ દરમિયાન ત્રણ નવા ફોજદારી કાયદાની કોપી પણ સળગાવવામાં આવે. સંગઠનોએ દેશભરના ખેડૂતોને સરકારની નીતિનો વિરોધ કરવાની અપીલ કરી છે. ખેડૂતોએ એક મહિનાનું રાશન લઈને શંભૂ બોર્ડર પર પહોંચવાની પણ શરૂઆત કરી દીધી છે.