ઇવીએમ અંગેના વિવાદમાં ચુંટણી પંચે શું કહ્યું ? વાંચો
ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનને લઈને ફરીથી સર્જાયેલા વિવાદ પર ચૂંટણી પંચએ રવિવારે સ્પષ્ટપણે કહ્યું હતું કે ઈવીએમને લઈને અફવાઓ ફેલાવવામાં આવી રહી છે. સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે ઈવીએમના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા છે અને તેને રોકવાની સલાહ આપી છે. તેમના નિવેદન બાદ કોંગ્રેસે ઈવીએમ પર પણ નિશાન સાધ્યું હતું. ચુંટણી પંચે સાફ શબ્દોમાં કહ્યું હતું કે ઇવીએમને ફોન સાથે કોઈ લેવાદેવા જ નથી.
આ બારામાં વિવાદ શરૂ થતાવેત ચુંટણી પંચ એક્શનમાં આવી ગયું હતું અને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં જે મતગણના કેન્દ્ર પર ફોનનો ઉપયોગ થયાની વાત આવી છે તે બારામાં તપાસ માટે આદેશ અપાઈ ગયો છે. જો કે વાસ્તવિકતા એ છે કે ઇવીએમ સાથે કોઈ પણ ડિવાઇસ કનેક્ટ થઈ શકે એમ જ નથી.
પંચે ટેકનિકલ બાબતો સમજાવીને કહ્યું હતું કે ઇવીએમ માટે ઓટીપી જરૂરી હોતું નથી. આ બારામાં ખોટી અફવા ફેલાવાઈ રહી છે અને જે અખબારે આવા અહેવાલો આપ્યા છે તેને માનહાનિ અંગેની નોટિસ આપવામાં આવી છે.
વિરોધ પક્ષો છેલ્લા કેટલાક સમયથી ઇવીએમ પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે અને તેમણે ‘વોટર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેઇલ’ સ્લિપના 100 ટકા મેચિંગ માટે અપીલ કરતી સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, પરંતુ કોર્ટે તેને સ્વીકારી ન હતી. ફરીવાર આ મુદ્દો ચગાવવામાં આવ્યો છે ત્યારે ચુંટણી પંચે તેનો સ્પષ્ટ જવાબ પણ આપી દીધો હતો.