ચુંટણી પંચે સરકારને શું આપ્યો આદેશ ?
કયા મેસેજ બંધ કરવા કહ્યું ?
વિકસિત ભારત સંપર્ક બેનર હેઠળ કેન્દ્ર સરકારની ઉપલબ્ધીઓ જાહેર કરતાં વોટ્સએપ મેસેજ ઉપર ચુંટણી પંચે રોક લગાવી દીધી હતી. આ પ્રકારના મેસેજ લોકોને આવી રહ્યા હતા ત્યારે ચુંટણી પંચને આ બારામાં ફરિયાદ મળી હતી. જેમાં એમ જણાવાયું હતું કે આચારસંહિતા લાગુ થઈ ગઈ છે છતાં આવા મેસેજ મોકલાઈ રહ્યા છે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને નિર્દેશ આપતાં કહ્યું કે, આચારસંહિતા લાગુ થયા પછી પણ જો લોકોને વિકસિત ભારત સંબંધિત સંદેશા મળી રહ્યા છે તો તેને તાત્કાલિક રોકી દેવા જોઈએ. આ અંગે કરવામાં આવેલી કાર્યવાહી અંગે ચૂંટણી પંચને જાણ કરવાની રહેશે.
વાસ્તવમાં ચૂંટણી પંચે વોટ્સએપ પર વિકસિત ભારત મેસેજની ડિલિવરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ બાબતે મંત્રાલય પાસેથી તાત્કાલિક અનુપાલન રિપોર્ટ માંગવામાં આવ્યો છે. કમિશનને ઘણી ફરિયાદો મળી હતી કે સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને આદર્શ આચાર સંહિતા લાગુ થવા છતાં, નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે.
આ તરફ આઇટી મંત્રાલયે કમિશનને જાણ કરી હતી કે, આચાર સંહિતા લાગુ થયા પહેલા પત્રો મોકલવામાં આવ્યા હતા.તેમાંના કેટલાક પ્રણાલીગત અને નેટવર્ક મર્યાદાઓને કારણે વિલંબ સાથે લોકો સુધી પહોંચ્યા હશે.