ચુંટણી પંચે ભાજપ, કોંગ્રેસને શું આપ્યો આદેશ ? જુઓ
લોકસભાની ચુંટણીમાં પ્રચારમાં સાંપ્રદાયિક આધાર પર વૉટની અપીલ કરવા તેમજ સુરક્ષા દળોના નામે મતદાતાઓને આકર્ષવા અંગે ચુંટણી પંચે સખત વાંધો લીધો હતો અને બુધવારે ભાજપ તથા કોંગ્રેસને ચેતવણી આપી હતી. બંને પાર્ટીઓને એવી સૂચના આપી હતી કે પ્રચારમાં ઉપરોક્ત નિર્દેશનો અમલ કરવામાં આવે. એક રીતે ચુંટણી પંચે બને પાર્ટીને માપમાં રહેવાનો આદેશ આપી દીધો હતો. મતદાનના હવે 2 તબક્કા બાકી રહ્યા છે ત્યારે પાર્ટીઓએ પ્રચારની લાઇન ફેરવવી પડશે.
ચુંટણી પંચે કોંગ્રેસને એવી સૂચના આપી હતી કે તે સેનાનું રાજનીતિકરણ કરવાથી દૂર રહે. એ જ રીતે સેના બારામાં સામાજિક કે આર્થિક વિવિધતા અંગે પણ કોઈ કોમેન્ટ કરવામાં ના આવે.
ચુંટણી પંચે ભાજપને પણ એવી સૂચના આપી હતી કે તે ધાર્મિક આધાર પર પ્રચાર કરવાથી દૂર રહે. કોંગ્રેસને એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે તેના સ્ટાર પ્રચારકો એવી વાતો ના ફેલાવે કે દેશના બંધારણને ખતમ કરી દેવામાં આવશે.
ચુંટણી પંચ તરફથી આ પ્રકારની નોટિસો ભાજપના પ્રમુખ નડા અને કોંગ્રેસના પ્રમુખ ખડગેને મોકલવામાં આવી હતી. બંને પક્ષોને એમ કહેવામાં આવ્યું છે કે તમારા સ્ટાર પ્રચારકો સેના અને ધર્મને રાજનીતિમાં શામેલ કરવાથી દૂર રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારથી પ્રચાર શરૂ થયો છે ત્યારથી બંધારણ, રામ મંદિર , મુસ્લિમ અનામત અને સેનાના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ બારામાં ચુંટણી પંચે કડક વલણ લઈ લીધું હતું. જો કે હવે મતદાનના બે તબક્કા બાકી રહ્યા છે ત્યારે બંને પાર્ટીએ જીભને લગામ આપવી પડશે.