કોંગ્રેસના નેતાઓએ શું કહ્યું ? વાંચો
કેન્દ્ર પર શું મૂક્યો આરોપ ?
લોકસભા ચૂંટણી પહેલાં બેન્ક ખાતાઓ ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે ત્યારે ગુરુવારે કોંગ્રેસના ટોચના નેતાઓએ કોંગ્રેસના હેડક્વાર્ટરમાં પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે અમે પ્રચાર કેવી રીતે કરીએ ? રાહુલ ગાંધીએ કહ્યું હતું કે રેલવેની ટિકિટ ખરીદવાના રૂપિયા પણ ખાતામાં નથી. કોઈને પ્રચાર કરતાં રોકવા તે લોકશાહી પર જ હુમલો છે.
મલ્લિકાઅર્જુન ખડગે, સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાજપ તથા કેન્દ્ર સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકારોને સંબોધતાં ખડગેએ કહ્યું કે કોંગ્રેસના બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા. સત્તાધારી પક્ષ એટલા માટે આ કાર્યવાહી કરી રહ્યું છે કે જેથી કરીને કોંગ્રેસ આ ચૂંટણી જ ના લડી શકે.
સોનિયા ગાંધીએ આ બાબતને ગંભીર ગણાવી હતી અને એમણે ચુંટણી બોન્ડના મામલાને પણ અતિ ગંભીર ગણાવ્યો હતો. સોનિયાએ કહ્યું હતું કે કોંગ્રેસને આર્થિક રીતે કમજોર કરી દેવાનું ષડયંત્ર ઘડવામાં આવ્યું છે જે લોકશાહી પર હુમલો છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસના 285 કરોડ રૂપિયા એકાઉન્ટમાં ફસાઈ ગયા છે. અમારા કાર્યકરો પણ તેનો લાભ લઈ શકી રહ્યા નથી. કોંગ્રેસને ખતમ કરવાનો આ પ્રયાસ છે. અમે સારી રીતે પ્રચાર જ નથી કરી શકતા. આ સીધી રીતે ભારતની લોકશાહી પણ હુમલો છે. ચૂંટણીપંચે પણ આ મામલે કોઈ દખલ નથી કરી. કોર્ટ પણ કંઈ કહેતું નથી. મીડિયા પણ કંઈ કહેતું નથી. ચૂંટણીપંચના મોઢે પણ તાળા વાગી ગયા છે. અમે જાહેરાતો નથી કરી શકી રહ્યા. અમારી આર્થિક ઓળખ મિટાવવાના પ્રયાસો થઇ રહ્યા છે. એક મહિના અગાઉ કોંગ્રેસના તમામ બેન્ક ખાતા ફ્રીઝ કરી દેવાયા.