રણનીતિકાર પ્રશાંત કિશોર શું આગાહી કરી ? જુઓ
લોકસભા ચૂંટણી માટે પાંચ તબક્કામાં મતદાન થયું છે. હજુ બે તબક્કાનું મતદાન બાકી છે અને ત્યારબાદ 4 જૂને ખબર પડશે કે દેશમાં કોની સરકાર બનશે. એક તરફ ભાજપ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકનો દાવો કરી રહી છે તો બીજી તરફ વિપક્ષ પોતાની જીતનો દાવો કરી રહ્યો છે. આ બધાની વચ્ચે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે અબ કી બાર ચારસો કે પારનું ભાજપે જે સૂત્ર આપ્યું છે તેમાં વિપક્ષ અને ખાસ કરીને કોંગ્રેસ ફસાઈ ગઈ છે. ભાજપ અથવા નરેન્દ્ર મોદીની વ્યૂહરચનામાં વિપક્ષ ગોટે ચડી ગયો છે અને ભાજપને મોટો લાભ મળી રહ્યો છે. આ વખતે પણ આવશે તો મોદી જ. એમના મતે ભાજપને 2019માં મળેલી 303 બેઠકોથી વધુ બેઠકો આ વખતે મળી શકે છે.
જન સૂરાજ પાર્ટીના વડા અને ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરનું માનવું છે કે આ વખતે ફરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએની સરકાર બનશે. તેમણે કહ્યું કે કેન્દ્રની વર્તમાન ભાજપ સરકારથી ન તો કોઈ ખાસ સંતોષ છે કે ન તો કોઈ વિકલ્પની જોરદાર માંગ છે.
એનડીટીવીને આપેલા ઈન્ટરવ્યુમાં જન સૂરાજ પાર્ટીના ચીફ પ્રશાંત કિશોરે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની લોકસભા ચૂંટણીમાં બીજેપીને વધુ એક જીત અપાવી શકે છે. તેમણે આગાહી કરી હતી કે ભાજપની બેઠકોની સંખ્યા 2019 ની નજીક અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. પ્રશાંત કિશોરે કહ્યું, ‘મને લાગે છે કે મોદીની આગેવાનીવાળી ભાજપ સરકાર પુનરાગમન કરી રહી છે. તેઓને ગત ચૂંટણી જેટલી જ સીટો મળી શકે છે અથવા તો થોડું સારું પ્રદર્શન કરી શકે છે. 2019માં ભાજપને 303 સીટો મળી હતી.
પ્રશાંત કિશોરે વધુમાં કહ્યું કે, ‘આપણે મૂળભૂત બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. . અત્યાર સુધી આપણે એવું સાંભળ્યું નથી કે મોદીજી સામે લોકોમાં વ્યાપક રોષ હોય. નિરાશાઓ હોઈ શકે છે, અપૂર્ણ આકાંક્ષાઓ હોઈ શકે છે, પરંતુ આપણે વ્યાપક ક્રોધ વિશે સાંભળ્યું નથી.
‘એનડીએ સત્તામાં વાપસી કરી રહ્યું છે’
બીજેપીની 370 સીટો અને એનડીએની 400 સીટો સાથે જોડાયેલા સવાલ પર પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘જો બીજેપી 275 સીટો જીતે છે તો તેના નેતાઓ એમ નહીં કહે કે અમે સરકાર નહીં બનાવીએ કારણ કે અમે દાવો કર્યો હતો કે અમે 370 જીતીશું. તેથી આપણે એ જોવાની જરૂર છે કે શું તેઓ 272નો બહુમતીનો આંકડો મેળવે છે. રાજકારણ અને બકવાસ ચાલુ રહેશે. જેઓ નિવેદનો આપી રહ્યા છે તેઓ આમ કરતા રહેશે.
આ રાજ્યોમાં ભાજપની બેઠક વધશે
આ ચૂંટણીમાં ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, તામિલનાડુ અને કેરળ- આ રાજ્યોમાં જેટલી સીટો છે, એનાથી 15-20 સીટો વધીને આવશે. આ રાજ્યોમાં ભાજપની મતબેન્ક પણ વધશે, એટલે કે આજે જે NDAની સ્થિતિ છે, એનાથી વધુ સારી થાય એવી શક્યતા છે. સીટો ઓછી થવાની સંભાવના બહુ ઓછી દેખાય છે.એવું ક્યાંય કોઈ કહી નથી રહ્યું કે મોદીજી હારી રહ્યા છે. બધા એમ જ કહી રહ્યા છે કે 370 તો નથી આવી રહી. અરે ભાઈ, 320 સીટો પણ આવશે. ત્યારે પણ સરકાર તો તેમની જ બનશે. હાલની સરકારની સામે બહુ નારાજગી ના હોવાને કારણે અને કોઈ સારો વિકલ્પ ના હોવાને કારણે મને નથી લાગતું કે કોઈ આમૂલ પરિવર્તન ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળે, એમ પ્રશાંત કિશોરે કહ્યું હતું.