એસબીઆઇએ સુપ્રીમ કોર્ટને શું કહ્યું ? વાંચો
કઈ બાબતે જાણકારી આપી ?
ઇલેકટોરલ બોન્ડની ચર્ચાસ્પદ બાબતે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું જેમાં એવી માહિતી અપાઈ હતી કે આલ્ફા ન્યુમેરિક નંબર સહિતની તમામ વિગતો ચૂંટણી પંચને આપી દેવાઈ છે. હવે અમારી પાસે કોઈ વિગત બાકી રહેતી નથી. કોર્ટના આદેશનું અનુપાલન કરવા અંગે એસબીઆઇએ એફિડેવિટ દાખલ કરી હતી. કોર્ટને જણાવાયું હતું કે અમારી પાસેનો બધો જ ડેટા ચુંટણી પંચને આપી દેવાયો છે.
એસબીઆઈ દ્વારા અગાઉ સબમિટ કરવામાં આવેલી સંપૂર્ણ માહિતીના અભાવ પર નારાજગી વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે પહેલા તમામ માહિતી સબમિટ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. ચીફ જસ્ટિસ ડી.વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે પ્રાપ્ત માહિતી ચૂંટણી પંચની વેબસાઈટ પર પ્રકાશિત થવી જોઈએ.
એસબીઆઈના ચેરમેન દિનેશ કુમાર ખારાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું દાખલ કરીને કહ્યું છે કે, ‘કોર્ટના આદેશ મુજબ અમે નિર્ધારિત સમય પહેલા ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડ સાથે સંબંધિત તમામ વિગતો આપી દીધી છે.
આ વખતે આપવામાં આવેલી માહિતીમાં બોન્ડનો આલ્ફા ન્યુમેરિક નંબર એટલે કે યુનિક નંબર, બોન્ડની કિંમત, ખરીદનારનું નામ, પેમેન્ટ મેળવનાર પાર્ટીનું નામ, પાર્ટીના બેંક એકાઉન્ટ નંબરના છેલ્લા ચાર અંક, કિંમત અને રિડીમ કરેલ નંબરનો સમાવેશ થાય છે. સાયબર સુરક્ષાને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષનો સંપૂર્ણ બેંક એકાઉન્ટ નંબર, પક્ષની કેવાયસી માહિતી અને ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારને શેર કરવામાં આવ્યા નથી.’