સંઘ પરિવારના વડા ભાગવતે દેશમાં વસતી દર અંગે શું કહ્યું ? વાંચો
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વસતી વૃદ્ધિ દરમાં થઈ રહેલા ઘટાડા પર ચિંતા વ્યક્ત કરી છે. નાગપુરમાં એક કાર્યક્રમ દરમિયાન સંઘ પ્રમુખે કહ્યું હતું કે, ‘વસતી વૃદ્ધિ દરમાં ઘટાડો ચિંતાનો વિષય છે. ડેમોગ્રાફીનો નિયમ છે કે વસતિ વૃદ્ધિ દર 2.1 કરતા ઓછો ન હોવો જોઈએ.’ જો ઘટાડો થાય તો માનવતા જ સંકટમાં આવી શકે છે.
આ ઉપરાંત કાર્યક્રમમાં આગળ બોલતા ભાગવતે કહ્યું હતું કે, ‘આધુનિક વસતી વિજ્ઞાન કહે છે કે જ્યારે કોઈ સમાજની વસતી 2.1થી નીચે જતી રહે છે, ત્યારે તે સમાજ વિશ્વમાંથી નાશ પામે છે. જ્યારે કોઈ સંકટ ન હોય ત્યારે પણ તે સમાજ નાશ પામે છે. આ રીતે, ઘણી ભાષાઓ અને સમાજો નાશ પામ્યા. વસતી 2.1થી નીચે ન હોવી જોઈએ.
બે કરતાં વધુ બાળકો માટેની હિમાયત કરી
મોહન ભાગવતે વધુમાં કહ્યું કે, ‘આપણા દેશની વસતી નીતિ વર્ષ 1998 અથવા 2002માં નક્કી કરવામાં આવી હતી. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વસતી વૃદ્ધિ દર 2.1થી નીચે ન હોવો જોઈએ. એટલે જો આપણે 2.1નો વસતી વૃદ્ધિ દર જોઈએ છે, તો બે કરતાં વધુ બાળકો હોવા જોઈએ. વસતી વિજ્ઞાન પણ એવું જ કહે છે. સંખ્યા મહત્વની છે કારણ કે તે સમાજના અસ્તિત્વ માટે જરૂરી છે.’
આ પહેલા પણ અનેક અવસરો પર આરએસએસ કહેતું આવ્યું છે કે એક સમાન વસ્તી વિષયક યોજના ન હોવાને કારણે દેશ વસતી અસંતુલનના જોખમનો સામનો કરી રહ્યો છે, જે ભારતીય લોકશાહી માટે ખતરાની નિશાની છે. ખાસ કરીને હિન્દુઓની વસતીના ઘટાડા અંગે ભાગવત ઘણી વખત ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.
