રાહુલ ગાંધીએ શું આગાહી કરી ? જુઓ
ભાજપ માટે કેટલી બેઠકોનું અનુમાન કર્યું ?
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પોતાના નિવેદનોથી ચર્ચા જગાવતા રહે છે. ફરીવાર એમણે પોતાનો રાજકીય હિસાબકિતાબ જાહેર કરીને ચર્ચા જગાવી હતી. લોકસભા ચૂંટણીના માહોલ વચ્ચે એક તરફ ભાજપે દાવો કર્યો છે કે એનડીએ 400થી વધુ સીટો જીતશે. આ દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સીટોની સંખ્યાને લઈને મોટી ભવિષ્યવાણી કરી હતી. બુધવારે તેમણે દાવો કર્યો હતો કે આ વખતે ભાજપને માત્ર 150 સીટો મળશે.
રાહુલ ગાંધીએ ગાઝિયાબાદમાં અખિલેશ યાદવ સાથે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે આખા દેશમાં જબરદસ્ત અંડરકરંટ છે. તેમણે કહ્યું છે કે, “હું સીટોની આગાહી કરતો નથી. 15-20 દિવસ પહેલા હું વિચારતો હતો કે ભાજપ લગભગ 180 સીટો જીતશે, પરંતુ હવે મને લાગે છે કે તેઓ 150 સીટો મેળવશે. અમને દરેક રાજ્યમાંથી અહેવાલો મળી રહ્યા છે કે અમે સારુ પ્રદર્શન કરી રહ્યા છીએ. ઉત્તર પ્રદેશમાં અમારું ગઠબંધન ઘણું મજબૂત છે અને અમે ખૂબ સારું પ્રદર્શન કરીશું.”
રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ ચૂંટણી વિચારધારાની ચૂંટણી છે. એક તરફ આરએસએસ અને ભાજપ બંધારણ અને લોકશાહીને નષ્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને બીજી તરફ ભારત અને કોંગ્રેસ પાર્ટી બંધારણ અને લોકશાહીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. ચૂંટણીમાં 2-3 મોટા મુદ્દા છે. બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે અને મોંઘવારી બીજા નંબરની સૌથી મોટી સમસ્યા છે, પરંતુ ભાજપ ધ્યાન હટાવવામાં વ્યસ્ત છે, ન તો વડાપ્રધાન કે ભાજપ આ મુદ્દાઓ પર વાત કરે છે.