અબુધાબીના સ્ટેડિયમમાં વડાપ્રધાન મોદીએ ભારતીય સમુદાયને શું કહ્યું..
અબુધાબીમાં સિટી સ્ટેડિયમમાં ભારતીયોને વડાપ્રધાને કર્યું સંબોધન: યુએઈના રાષ્ટ્રપતિના વખાણ કર્યા: મંદિર બનાવવાનો પ્રસ્તાવ એક સેક્નડનો પણ વિલંબ કર્યા વગર મંજૂર કર્યો તે બદલ શેખનો આભાર માન્યો: ત્રીજી ટર્મમાં ભારતની ઈકોનોમી ત્રીજા નંબરે હશે
યુએઈની બે દિવસની યાત્રા પર ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે આજે ભવ્ય મંદિરનું લોકાર્પણ કરવાના છે અને એક નવો ઈતિહાસ રચાઈ જવાનો છે ત્યારે મંગળવારે રાત્રે અબુધાબીના સિટી સ્ટેડિયમમાં વડાપ્રધાન મુળ ભારતીયોને સંબોધન કર્યું હતું. આ સ્ટેડિયમમાં યુએઈના રાષ્ટ્રપતિ શેખ ઝાયદ બિન નાહયાન પણ સાથે રહ્યા હતા અને સ્ટેડિયમ ભારતીયોથી ખીચોખીચ ભરાયેલું હતું. હજારો લોકોએ મોદી-મોદી અને વંદે માતરમ્ તેમજ ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, આજે દરેક ધડકન એમ કહી રહી છે કે, ભારત-યુએઈની દોસ્તી જિંદાબાદ… એમણે કહ્યું કે, યુએઈ ભારતનો ત્રીજો સૌથી મોટો ટે્રડ પાર્ટનર છે અને સાતમો સૌથી મોટો ઈન્વેસ્ટર છે. દરેક ક્ષેત્રમાં બન્ને દેશો આગળ વધી રહ્યા છે અને એમની દોસ્તીના ઝંડા હવે અંતરિક્ષમાં પણ ઝળહળી રહ્યા છે.
ભવ્ય અને દિવ્ય મંદિરનું લોકાર્પણ થવાનું છે ત્યારે એમણે એવી માહિતી આપી હતી કે, અગાઉની મારી યાત્રા દરમિયાન અબુધાબીમાં ભવ્ય મંદિર બનાવવાનો પ્રસ્તાવ જ્યારે શેખ ઝાયદ સામે મુકવામાં આવ્યો ત્યારે એક પળનો પણ વિલંબ કર્યા વગર એમણે મંજૂરી આપી દીધી હતી અને મને એમ કહ્યું હતું કે, જ્યાં તમે લીટી દોરશો તે બધી જમીન તમને આપી દઈશ.
એમના સહયોગથી આ બધું શક્ય બન્યું છે. શેખ યુએઈમાં એટલે કે અબુધાબીમાં વસી રહેલા ભારતીયોના ખુબ વખાણ કરે છે અને યુએઈના વિકાસમાં ભારતીયોની ભૂમિકાને વખાણે છે. મારું ભવ્ય સત્કાર વાસ્તવમાં ૧૪૦ કરોડ ભારતીયોનો સત્કાર છે અને તેના માટે હું શેખ ઝાયદ અને મારા ભારતવાસીઓનો આભારી છું.
ભારત અને યુએઈ ઈઝ ઓફ લિવિંગમાં સહયોગ કરી રહ્યા છે. એમણે અરબી ભાષામાં પણ થોડું પ્રવચન કર્યું હતું અને એવું વચન પણ આપ્યું હતું કે, ત્રીજી ટર્મમાં ભારત ત્રીજા નંબરની ઈકોનોમી બની જશે અને આ મોદીની ગેરંટી છે.