પેરિસમાં એઆઈ સમિટમા વડાપ્રધાન મોદીએ શું કહ્યું ? જુઓ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે પેરિસમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે બહુપ્રતિક્ષિત એઆઈ એક્શન સમિટની સહ-અધ્યક્ષતા કરી હતી. સમિટમાં ભાગ લેતી વખતે વડા પ્રધાન મોદીએ કહ્યું હતું કે એઆઈ અન્ય ટેકનોલોજીઓથી ખૂબ જ અલગ છે અને તેના વિશે સાવધ રહેવાની જરૂર છે. ડીપફેક સામે સાવધાની આવશ્યક છે અને સાઇબર સિકયુરિટીનું પણ વિશેષ ધ્યાન રાખવું પડશે.

મોદીએ એમ પણ કહ્યું કે એઆઈ માનવી માટે મદદગાર છે, તે લાખો લોકોની જિંદગી પણ બદલી શકે છે . ભારત પાસે આજે આ માટે મોટું ટેલેન્ટ ઉપલબ્ધ છે . ભારતે ડેટા સુરક્ષિત રાખવા વ્યવસ્થા કરી છે. અમે અમારો અનુભવ શેર કરવા તૈયાર છીએ. જો કે એઆઈને લગતા મુદ્દાઓનો સામનો કરવા માટે વૈશ્વિક ધોરણોની જરૂર છે. વડાપ્રધાને એઆઇના જોખમો સામે સૌને સાવધ રહેવાની સલાહ આપી હતી. અલગ અલગ રાષ્ટ્રના મહાનુભાવોએ એમના વિધાનોને તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા.
તેમણે કહ્યું, ‘કૃત્રિમ બુદ્ધિ ખૂબ જ ઝડપી ગતિએ વિકાસ કરી રહી છે. ભારત એઆઈનું ભવિષ્ય બધા માટે સારું રહે તે સુનિશ્ચિત કરવા માટે પોતાનો અનુભવ અને કુશળતા શેર કરવા તૈયાર છે. ભારત એઆઈ અપનાવવામાં અને ડેટા ગોપનીયતા માટે ટેક્નો-કાનૂની પાયો બનાવવામાં પણ આગળ છે. એઆઈથી નોકરી જવાની વાત માત્ર ભ્રમ છે, તેનાથી નવી નોકરીઓ મળવાની છે .
અમે જાહેર હિત માટે એઆઈ એપ્લિકેશનો વિકસાવી રહ્યા છીએ. ભારતે ખૂબ જ ઓછા ખર્ચે તેના ૧.૪ અબજથી વધુ લોકો માટે સફળતાપૂર્વક ડિજિટલ જાહેર માળખાગત સુવિધા ઉભી કરી છે.
મેક્રોનનો આભાર માન્યો
વડાપ્રધાને કહ્યું,કે ‘આ સમિટનું આયોજન કરવા અને તેના સહ-અધ્યક્ષતાપદ માટે મને આમંત્રણ આપવા બદલ હું મારા મિત્ર રાષ્ટ્રપતિ મેક્રોનનો આભારી છું.’ એઆઈ પહેલાથી જ આપણા અર્થતંત્ર, સુરક્ષા અને આપણા સમાજને ફરીથી આકાર આપી રહ્યું છે. આ સદીમાં એઆઈ માનવતા માટે કોડ લખી રહ્યું છે.
નોકરી ગુમાવવા અંગે શું કહ્યું?
તેમણે કહ્યું, ‘એઆઈ વિશે સૌથી મોટો ડર નોકરીઓ ગુમાવવાનો છે પરંતુ ઇતિહાસે બતાવ્યું છે કે ટેકનોલોજી નોકરીઓ ક્યાંય લઈ જતી નથી.’ સમય જતાં નોકરીઓનું સ્વરૂપ બદલાય છે અને નવા પ્રકારની નોકરીઓનું સર્જન થાય છે. ભવિષ્ય માટે આપણે આપણા લોકોના કૌશલ્ય અને પુનઃકૌશલ્યમાં રોકાણ કરવાની જરૂર છે.