મનમોહન સિંઘે વડાપ્રધાન મોદી વિષે શું કહ્યું ? જુઓ
પૂર્વ વડાપ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડૉ.મનમોહન સિંહે લોકસભા ચૂંટણી 2024ના છેલ્લા તબક્કાના મતદાન પહેલા એક તરફ મતદારોને ખાસ અપીલ કરી હતી તો બીજી તરફ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પણ જોરદાર પ્રહારો કર્યા હતા. વડાપ્રધાનની ભાષા અને નીતિની ટીકા કરી હતી. ગુરુવારે એક પત્ર જારી કરીને મનમોહન સિંહે પંજાબના લોકોને બીજી ઘણી વાતો પણ કહી હતી. સિંહે એવો આરોપ મૂક્યો હતો કે મોદીએ પીએમ ઓફિસની ગરિમા ઘટાડી છે. એમણે પ્રચારમાં હેટ સ્પીચ અને વાંધાજનક ભાષાનો ઉપયોગ કર્યો છે.
ડૉ. મનમોહન સિંહે કહ્યું, મારા વ્હાલા સાથી નાગરિકો, ભારત નિર્ણાયક તબક્કે ઊભું છે. મતદાનના અંતિમ તબક્કામાં, આપણી પાસે એક નિરંકુશ શાસનનો અંત કરીને આપણી લોકશાહી અને આપણા બંધારણને બચાવવાની છેલ્લી તક છે. પંજાબ અને પંજાબીઓ યોદ્ધા છે. આપણે આપણી બલિદાનની ભાવના માટે જાણીતા છીએ. લોકશાહી પ્રણાલીમાં આપણી સૌહાર્દ, સંવાદિતા અને જન્મજાત શ્રદ્ધા આપણા મહાન રાષ્ટ્રનું રક્ષણ કરી શકે છે.
‘પીએમએ ખૂબ જ અસંસદીય ભાષાનો ઉપયોગ કર્યો છે’
પોતાના પત્રમાં મનમોહન સિંહે કહ્યું કે, “હું આ ચૂંટણી પ્રચાર દરમિયાન રાજકીય ચર્ચાને ખૂબ જ ધ્યાનથી જોઈ રહ્યો છું. મોદીજીએ ઘણાં દ્વેષપૂર્ણ ભાષણો આપ્યા છે, જે સંપૂર્ણ રીતે વિભાજનકારી છે. મોદીજી એવા પ્રથમ વડાપ્રધાન છે જેમણે વડાપ્રધાન પદની ગરિમા અને ગંભીરતામાં ઘટાડો કર્યો છે.
‘ભાજપે 10 વર્ષમાં પંજાબને બદનામ કર્યું’
મનમોહન સિંહે આગળ લખ્યું, છેલ્લા 10 વર્ષમાં ભાજપ સરકારે પંજાબ અને પંજાબિયતને બદનામ કરવામાં કોઈ કસર છોડી નથી. પંજાબના 750 ખેડૂતો શહીદ થયા છે. ખેડૂતો મહિનાઓ સુધી દિલ્હીની સરહદે રાહ જોતા રહ્યા. સરકારે તેમના પર હુમલો કર્યો. સંસદમાં ખેડૂતોને આંદોલનકારી અને પરોપજીવી કહેવામાં આવ્યા હતા.