મમતાએ ઢંઢેરામાં શું વાયદો કર્યો ? વાંચો
શું લાગુ નહીં થવા દે ?
લોકસભાની ચુંટણીમાં આ વખતે સંદેશખલીને લીધે મુશ્કેલીમાં આવેલા મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલે કોલકાતામાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો. મમતાએ કેન્દ્ર સામે શિંગડા ભરાવી જાહેર કર્યું હતું કે અમે સીએએ લાગુ થવા દેશું નહીં અને એનઆરસી રોકી દેવામાં આવશે.
બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલે લોકસભા ચૂંટણી માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ભારે ચર્ચા જગાવી છે. પાર્ટીના નેતા ડેરેક ઓ’બ્રાયન સહિત ઘણાં વરિષ્ઠ નેતાઓએ ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. તૃણમૂલના આ ચૂંટણી ઢંઢેરાને દીદીનું શપથપત્ર નામ આપવામાં આવ્યું છે.
ટીએમસીના ચૂંટણી ઢંઢેરામાં સીએએ અને એનઆરસી નાબૂદ કરવાનું વચન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રાશન સહિત કલ્યાણકારી યોજનાઓનું વચન આપવામાં આવ્યું છે. બીપીએલ પરિવારોને એક વર્ષમાં 10 સિલિન્ડર આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.
પાર્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે, ‘અમે લોકસભા ચૂંટણી 2024 માટે અમારો ચૂંટણી ઢંઢેરો જાહેર કરીને ખુશ છીએ. દીદીના શપથ સાથે અમે દરેક ભારતીયને રોજગાર, બધાને ઘર, મફત એલપીજી સિલિન્ડર, ખેડૂતોને એમએસપી, એસસી એસટી અને ઓબીસી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની ખાતરી આપવાના શપથ લઈએ છીએ. અમે સાથે મળીને ભાજપના જમીનદારોને જડમૂળથી ઉખેડી નાખીશું.