ભારતે કેનેડાને સાફ શબ્દોમાં શું કહ્યું ? કોના પુરાવા માંગ્યા ? જુઓ
આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત સરકારે કેનેડાને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો કોઈપણ પુરાવા રજૂ કર્યા વિના આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે મોદી સરકાર પર પાયાવિહોણા આરોપો ન લગાવી શકે. આ ઉપરાંત ભારતે કહ્યું કે,જસ્ટિન ટ્રૂડો કહેવાતા અપરાધીઓને પકડવા માટે પોતાની તપાસ એજન્સીઓને રાજકીય નિર્દેશ ન આપી શકે. ભારતે આ માટે કેનેડા પાસે પુરાવા પણ માંગ્યા છે. ખાલિસ્તાનીઓ સામે પગલાં લેવાની પણ ભારતે ટકોર કરી છે.
12 ઓક્ટોબરના રોજ ભારતના ટોચના સુરક્ષા અધિકારીઓએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સરકારના અધિકારી સાથે મુલાકાત કરી હતી. તેમાં ભારત સરકારે કહ્યું છે કે, તપાસ એજન્સી આરસીએમપીના આરોપો ખોટા છે. આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કેસની તપાસ આરસીએમપી કરી રહી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે, જસ્ટિન ટ્રુડો અને વડાપ્રધાન મોદી વચ્ચે 11 ઓક્ટોબરના રોજ આસિયાન શિખર સમ્મેલનમાં મુલાકાત થઈ હતી. આ દરમિયાન જ્યારે મોદી લાઉન્જથી ડાઈનિંગ વેન્યુ તરફ જઈ રહ્યા હતા ત્યારે જસ્ટિન ટ્રુડોએ તેમની સાથે આ મામલે વાત કરી હતી. તેના પર વડાપ્રધાન મોદીએ તેમને કહ્યું હતું કે આ મુદ્દા પર વાત કરવાનો આ યોગ્ય સમય નથી.
આ મામલે વરિષ્ઠ ભારતીય અધિકારીઓનું કહેવું છે કે ભારત પાસે આ મામલે છુપાવવા માટે કંઈ નથી. ટ્રુડો સરકારે ભારતને બદનામ કરવાના કારણો જણાવવા જોઈએ. આ ઉપરાંત ભારતીય અધિકારીઓએ ખાલિસ્તાની આતંકવાદીઓ સામે કાર્યવાહી કરવાની માંગ પણ ઉઠાવી છે. શનિવારે યોજાયેલી બેઠકમાં કેનેડાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર નથાલી જ ડ્રોઈન અને નાયબ વિદેશ મંત્રી ડેવિડ મોરિસને પણ ભાગ લીધો હતો.
