કોલકત્તામાં હિન્દુ સંગઠનોએ શું કર્યું ? શું કરી માંગણી ? જુઓ
બાંગ્લાદેશમાં હિન્દુઑ પર થઈ રહેલા અત્યાચાર સામે આક્રમક વિરોધ દેશમાં થઈ રહ્યો છે અને શુક્રવારે કોલકત્તામાં હજારો હિન્દુ લોકોએ સાથે મળીને અત્યાચાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સડકો પર હજારો લોકો ઉતરી પડ્યા હતા.
કોલકત્તા શહેરમાં અનેક વિસ્તારોમાં રસ્તા જામ થઈ ગયા હતા. બીજી બાજુ મુસ્લિમો દ્વારા પણ મોટી સંખ્યામાં વકફ બિલના વિરોધમાં વિરોધ પ્રદર્શન કરતાં શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઇ ગઈ હતી અને પોલીસને દોડાદોડી થઈ ગઈ હતી.
હિન્દુ સંગઠનો દ્વારા શહેરના દરેક વિસ્તારમાં ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો અને કેન્દ્ર સરકારને તત્કાળ દરમિયાનગીરી કરીને બાંગ્લાદેશના હિન્દુઑ માટે સુરક્ષા અંગે પગલાં લેવાની માંગણી કરી હતી. એમણે એવી માંગણી પણ કરી હતી કે આંતરરાષ્ટ્રીય લેવલે સરકારે એક અવાજ ઊભો કરવાની જરૂર છે.
એ જ રીતે શહેરમાં મુસ્લિમ સંગઠનોએ વકફ બિલ સામે ઉગ્ર નારેબાજી કરી હતી અને એવી ચીમકી આપી હતી કે જો આ બિલ પાછું લેવામાં નહીં આવે તો રાજ્યભરમાં ઉગ્ર વિરોધ કાર્યક્રમ ઘડવામાં આવશે.
કોલકત્તામાં ભાજપા આગેવાનો અને કાર્યકરો દ્વારા ગુરુવારે પણ રેલી કાઢવામાં આવી હતી અને બાંગ્લાદેશમાં હિન્દુ પરિવારો પર થઈ રહેલા અત્યાચાર સામે ભારે વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને યુનુસ સરકાર પર દબાણ લાવવાની માંગ કરાઇ હતી.