હેમંત સોરેનને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ
સુપ્રીમ કોર્ટે કથિત જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની ધરપકડને પડકારતી અરજી પર સોમવારે સુનાવણી કરી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ પાસેથી 17 મે સુધીમાં જવાબ માંગ્યો છે. આ દરમિયાન હેમંત સોરેન વતી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે દલીલો રજૂ કરી હતી. બીજી તરફ ઝારખંડની એમપીએમએલે કોર્ટે હેમંત સોરેનને મોટો ઝટકો આપ્યો હતો અને ધરપકડને પડકારતી અરજી ફગાવી દીધી હતી. સોમવારે સોરેનને વચગાળાના જામીન મળ્યા નહતા.
ન્યાયાધીશ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે શરૂઆતમાં 20 મેના રોજ કેસની સુનાવણી માટે સૂચિબદ્ધ કર્યો હતો પરંતુ વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે ત્યાં સુધીમાં ચૂંટણીઓ પૂરી થઈ જશે અને જો કેસમાં લાંબી તારીખ આપવામાં આવશે તો તેઓ (સોરેન) પક્ષપાતનો આરોપ લગાવશે. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી 17 મેના રોજ નક્કી કરી છે.
સોરેનનું પ્રતિનિધિત્વ કરતા સિબ્બલે ખંડપીઠને કહ્યું કે, મારો કેસ પણ અરવિંદ કેજરીવાલના આદેશ જેવો જ છે અને મને પ્રચાર માટે જામીનની પણ જરૂર છે. બેન્ચે કહ્યું કે આ અઠવાડિયે ઘણું કામ છે અને ઘણા કેસ લિસ્ટેડ છે. સર્વોચ્ચ અદાલતે 20 મેથી તારીખ બદલવાની અનિચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ સિબ્બલ અને સિનિયર એડવોકેટ અરુણાભ ચૌધરીની વિનંતી પર, સોરેન તરફથી હાજર થતાં, સુનાવણીની તારીખ બદલીને 17 મે કરવામાં આવી હતી.