ફારૂક અબ્દુલ્લાએ શું બફાટ કર્યો ? જુઓ
પોતાના વિવાદિત નિવેદનો માટે જાણીતા જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારૂક અબ્દુલ્લાએ ફરીવાર જીભ પરનો કાબૂ ગુમાવીને વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમણે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના નિવેદન પર વળતો પ્રહાર કરતાં કહ્યું કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તાજેતરમાં જ એક ચૂંટણી રેલી દરમિયાન રાજનાથ સિંહે કહ્યું હતું કે પોક અમારું હતું, છે અને રહેશે. આ પહેલા દેશના વિદેશ મંત્રીએ પણ કહ્યું હતું કે પોક ભારતનો ભાગ છે.
ફારુક અબ્દુલ્લાએ એમ કહ્યું હતું કે, ‘જો સંરક્ષણ મંત્રીએ બોલવું હોય તો ભલે બોલે. આપણે તેમને રોકીએ એવી ક્યાં લાયકાત છે? પરંતુ એ યાદ રાખવું જોઈએ કે પાકિસ્તાને પણ બંગડીઓ નથી પહેરી. તેની પાસે પણ પરમાણુ બોમ્બ છે અને કમનસીબે એ પરમાણુ બોમ્બ આપણી ઉપર જ આવીને પડશે.
રાજનાથ સિંહે કહ્યું હતું કે ભારત પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર પોક પર પોતાનો દાવો ક્યારેય છોડશે નહીં, પરંતુ તેના પર બળજબરીથી કબજો કરવાની જરૂર નથી કારણ કે ત્યાંના લોકો કાશ્મીરમાં વિકાસ જોયા પછી પોતે ભારતનો ભાગ બનવા માંગશે.
આ નિવેદન અંગે પોતાની પ્રતિક્રિયા આપતાં ફારુકે વિવેક ગુમાવી દીધો હતો અને પાકિસ્તાનની ભાષા બોલવા લાગ્યા હતા. એમના આ નિવેદનની ભારે ટીકા થઈ રહી છે.