રામલલ્લાની મૂર્તિ અંગે ચંપત રાયે શું કહ્યું ? જુઓ
22 જાન્યુઆરીના રોજ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે જોરશોરથી તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હવે ભવ્ય રામ મંદિરમાં સ્થાપિત કરવા માટે રામલલાની ત્રણ મૂર્તિઓમાંથી એક મૂર્તિ ફાઈનલ કરી દેવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. ત્રણ મૂર્તિઓમાંથી કર્ણાટકના જાણીતા શિલ્પકાર અરુણ યોગીરાજે બનાવેલી મૂર્તિ પર મહોર લગાવી દેવામાં આવી છે.
જોકે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે કહ્યું કે, હું આ મામલે અત્યારે કંઈ નહીં કહું. મૂર્તિકાર મંદિર સમિતિ જ તેના પર અંતિમ નિર્ણય લેશે. માહિતી મળી છે કે મૂર્તિ પર મહોર લાગી ચૂકી છે પરંતુ ટ્રસ્ટ 17 જાન્યુઆરીએ રામભક્તોને આપશે માહિતી. આ દિવસે રામનગરીમાં નગરયાત્રા કાઢવામાં આવશે.
આ પહેલા કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ X પર લખ્યું કે, જ્યાં રામ છે ત્યાં હનુમાન છે. અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ છે. આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર, આપણું ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે.