બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં શું કર્યું ? જુઓ
કઈ બાબતએ માફી માંગી ?
પતંજલિ આયુર્વેદની ભ્રામક જાહેરાત મામલે બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ મંગળવારે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. બંનેએ કોર્ટ સમક્ષ બિનશરતી માફી માંગી હતી છતાં અદાલતે ફટકાર લગાવી હતી. આ મામલે સુનાવણી કરી રહેલા જસ્ટિસ હિમા કોહલી અને જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહની ખંડપીઠે કહ્યું કે આ કેસમાં રજૂ કરવામાં આવેલા બંનેના એફિડેવિટ ક્યાં છે? તેના પર રામદેવના વકીલે કહ્યું કે બંનેએ માફી માંગી લીધી છે અને બંને કોર્ટમાં હાજર છે.
તેના પર કોર્ટે કહ્યું કે આ કોર્ટની કાર્યવાહી છે. આને હળવાશથી ન લઈ શકાય. અમે તમારી માફી સ્વીકાર ન કરી શકીએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 21 નવેમ્બરના કોર્ટના આદેશ છતાં બીજા દિવસે રામદેવ, બાલકૃષ્ણ અને પતંજલિએ પ્રેસ કોન્ફરન્સ કરી. માત્ર માફી માંગવી પુરતી નથી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી હતી અને પતંજલિની જાહેરાત છપાઈ રહી હતી. તમે બે મહિના પછી કોર્ટમાં હાજર થયા છો.
આના પર પતંજલિએ સ્વીકાર્યું કે તેમનાથી ભૂલ થઈ છે. તેના પર કોર્ટે કહ્યું કે તમે કોર્ટની અવમાનનો જવાબ આપો. રામદેવ તરફથી વકીલાત કરી રહેલા બલબીર સિંહે કહ્યું કે અમારી માફીનામું તૈયાર છે. તો બેન્ચે પૂછ્યું કે તે રેકોર્ડમાં કેમ નથી. બલબીરે કહ્યું કે તે તૈયાર છે પરંતુ અમે ઈચ્છતા હતા કે, જરૂર પડવા પર જ જરૂરી ફેરફારો કરવામાં આવે.
રામદેવના વકીલે કહ્યું કે ભવિષ્યમાં આવું નહીં થશે. અગાઉ થયેલી ભૂલ માટે માફી માગીએ છીએ. રામદેવે પણ કોર્ટની માફી માગી હતી. તેમણે કહ્યું કે હું આ વર્તનથી શરમ અનુભવી રહ્યો છે. અમે સમજીએ છીએ કે આ સુપ્રીમ કોર્ટનો આદેશ છે. ખંડપીઠે કહ્યું કે દેશની દરેક કોર્ટનું સન્માન કરવું જોઈએ.