અમિત શાહ સામે શિંદેએ કઈ ડિમાન્ડ રાખી હતી ? જુઓ
મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બની રહ્યા છે અને સસ્પેન્સનો અંત આવી ગયો છે. જો કે શિવ સેનાના શિંદે હજુ પણ અંદરખાને નારાજ હોય તેવું લાગે છે અને એમણે સંપૂર્ણ ટેકો ભાજપને આપવાની વાત કરી છે પણ એમણે સીએમ બનવા માટે છેલ્લી ઘડી સુધીના પ્રયાસો કર્યા હતા તેવી હકીકત બહાર આવી છે.
શિંદે ગયા સપ્તાહે ગૃહમંત્રી અમિત શાહને દિલ્હી જઈને મળ્યા હતા ત્યારે એમણે એવી દરખાસ્ત મૂકી હતી કે 6 માસ માટે પોતાને સીએમ બનાવવામાં આવે. ત્યારબાદ ફડણવીસને ખુરશી સોંપી દેવામાં આવશે. જો કે એમની આ વાત પણ સ્વીકારવામાં આવી નહતી.
અમિત શાહ સાથેની બેઠકમાં શું થયું હતું તે બારામાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયા દ્વારા પ્રસિધ્ધ અહેવાલમાં આ મુજબની હકીકત બતાવવામાં આવી હતી. પરિણામ બહાર આવ્યા બાદ શિંદેએ મુંબઇમાં પત્રકાર પરિષદમાં સીએમની ખુરશી છોડવાનો સંકેત આપ્યો હતો પણ અમિત શાહ સાથેની બેઠકમાં 6 માસ માટે સીએમ બનાવવાની દરખાસ્ત મૂકી હતી.
અમિત શાહે આ દરખાસ્તનો અસ્વીકાર કરીને એમ કહ્યું હતું કે આમ કરવાથી ખોટી પરંપરા સ્થાપિત થઈ શકે છે. જો તમને અમારા જેટલી 132 બેઠકો મળી હોત તો શું તમે સીએમ પદ છોડી દેત ? અમિત શાહના આ સવાલનો જવાબ શિંદે આપી શક્યા નહતા.
બીમસી પર નજર
એવી ચર્ચા પણ છે કે 6 માસ માટે શિંદે સીએમ એટલા માટે બનવા માંગતા હતા કે આવતા વર્ષે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચુંટણી આવી રહી છે અને તેમાં અત્યાર સુધી ઉધ્ધવ ઠાકરે જુથનો દબદબો રહ્યો છે અને શિંદે તેને જીતવા માંગે છે. સીએમની ખુરશી પરથી ઉતરી ગયા બાદ એમણે અનેક સવાલોનો પણ સામનો કરવો પડશે.