નાણામંત્રી મકાન માલિકોને શેમાં રાહત આપી શકે છે ?
નાણા મંત્રાલય મકાનમાલિકોને થોડી રાહત આપી શકે છે. મંત્રાલય સામાન્ય બજેટમાં જાહેર કરાયેલ લોંગ ટર્મ કેપિટલ ગેઈન ટેક્સ અંગેના પગલામાં કેટલાક ફેરફારો કરવાની યોજના ધરાવે છે. બજેટમાં પ્રોપર્ટી અને ગોલ્ડ સહિત અનલિસ્ટેડ એસેટ્સમાંથી ઈન્ડેક્સેશન બેનિફિટ્સ પાછી ખેંચવાની દરખાસ્ત કરવામાં આવી હતી. હવે તેમાં થોડી રાહત આપવાનો વિચાર થઈ રહ્યો છે.
આ નવી જાહેરાતનો અમલ ટળી શકે છે. નવી વ્યવસ્થા તારીખને આગામી નાણાકીય વર્ષ (નાણાકીય વર્ષ 2026) સુધી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવી શકે છે. હાલમાં આ નિયમ 23 જુલાઈ 2024થી લાગુ છે. વધુમાં, તમામ એસેટ ક્લાસની ખરીદીઓમાં ગ્રાન્ડફાધરિંગ અંગે ચર્ચા કરવામાં આવી છે, જેમાં ઇન્ડેક્સેશન જોગવાઈઓ લાગુ થઈ શકે તેવી અસ્કયામતો સહિતની ચર્ચા થઈ છે.
આ બાબતની જાણકારી ધરાવતા એક સત્તાવાર સૂત્રએ બિઝનેસ સ્ટાન્ડર્ડને જણાવ્યું હતું કે, ‘લોકોને રાહત આપવાના ઉદ્દેશ્યથી પ્રસ્તાવિત પ્રણાલી એલટીસીજીમાં કેટલાક મોડલ પર કામ કરવામાં આવી રહ્યું છે, જો કે તેમાં આમૂલ પરિવર્તનની કોઈ શક્યતા નથી . તેમણે કહ્યું કે રિયલ એસ્ટેટ સેક્ટર દ્વારા કેટલાક ડેટા શેર કરવામાં આવ્યા બાદ સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી.
રિયલ એસ્ટેટ ઉદ્યોગનો દાવો છે કે સૂચિત વ્યવસ્થા ઘરમાલિકો તેમજ રિયલ્ટી સેક્ટર પર પ્રતિકૂળ અસર કરી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ફાઇનાન્સ બિલ સંસદમાં પસાર થાય તે પહેલા તેમાં નવા ફેરફારો સામેલ કરી શકાય છે.
ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં કેપિટલ ગેઈન ટેક્સ સિસ્ટમમાં વ્યાપક ફેરફારની દરખાસ્ત કરવામાં આવી છે. આ હેઠળ, ઘરો જેવી અનલિસ્ટેડ પ્રોપર્ટી પર એલજીસીટી વર્તમાન 20 ટકાથી ઘટાડીને 12.5 ટકા કરવામાં આવી છે, પરંતુ 1 એપ્રિલ, 2001 પછી ખરીદેલા મકાનોને ઇન્ડેક્સેશનનો લાભ મળશે નહીં.