આવકવેરાના દરોડા કે તપાસમાં હવે અધિકારી શું માંગી શકે છે ? જુઓ
- સાવધાન…. હવે આવકવેરા અધિકારી ડિજિટલ એક્સેસ કોડ પણ માંગશે
- નવા આવકવેરા બિલમાં જોગવાઈ : દરોડો પડે કે તપાસ આવે તો આ બધુ આપવું પડશે; અધિકારીઓની સત્તા વધી
લોકસભામાં રજૂ કરાયેલ આવકવેરા બિલ, 2025 કર અધિકારીઓને સર્વેક્ષણ અને દરોડા દરમિયાન ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સમાંથી એક્સેસ કોડ મેળવવાની સત્તા આપે છે. આનાથી તેમના માટે ક્રિપ્ટો અને અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ સંપત્તિઓની ચકાસણી કરવાનું સરળ બનશે. નવા બિલમાં આ મહત્વની જોગવાઈ પણ રખાઇ છે .બિલની કલમ 247 આવકવેરા અધિકારીઓની તપાસ અને જપ્તીની સત્તાઓને વિસ્તૃત કરે છે. ભૌતિક સંપત્તિઓથી આગળ સ્થાનિક ઍક્સેસ અને ડિજિટલ રેકોર્ડ્સ અને વર્ચ્યુઅલ ક્ષેત્ર સુધી તેનો વ્યાપ વિસ્તારે છે.

કલમ 253 કર અધિકારીઓને સર્વેક્ષણ દરમિયાન “ટેકનિકલ અને અન્ય સહાય, જેમાં એક્સેસ કોડનો સમાવેશ થાય છે” મેળવવાની મંજૂરી આપે છે. આવી સ્થિતિમાં, કરદાતાઓએ ક્લાઉડ સ્પેસ, કમ્પ્યુટર અને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ વિશેની માહિતી ફરજિયાતપણે આપવી પડશે.
કલમ 253 મુજબ, આવકવેરા અધિકારી વ્યવસાયિક વ્યક્તિ પાસેથી ‘જરૂરી ટેકનોલોજી અને અન્ય સહાય (એક્સેસ કોડ સહિત)’ માંગી શકે છે જેથી તે આવા ખાતાઓ અથવા અન્ય દસ્તાવેજોની તપાસ કરી શકે. અથવા જરૂરિયાત મુજબ કોમ્પ્યુટર સિસ્ટમ્સ અથવા અન્ય વર્ચ્યુઅલ ડિજિટલ ક્ષેત્રો વિશેની માહિતી પણ મેળવી શકે છે .
નાણા મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે આ જોગવાઈઓ કર અધિકારીઓને સિસ્ટમમાં એક્સેસ કોડ મેળવવાની મંજૂરી આપે છે પરંતુ તેમને અન્ય કોઈ નવી સત્તાઓ આપતી નથી. અધિકારીના જણાવ્યા મુજબ, નાણાકીય રેકોર્ડ ઇલેક્ટ્રોનિક રીતે જાળવવા હવે એક સામાન્ય પ્રથા બની ગઈ છે.