ભાજપને સુપ્રીમ કોર્ટથી શું લાગ્યો ઝટકો ? જુઓ
બંગાળમાં ટીએમસી વિરુધ્ધ પ્રચારને લઈને ભાજપને સોમવારે સુપ્રીમ કોર્ટથી પણ ઝટકો લાગ્યો હતો. આ પહેલા ટીએમસીને નીચું દેખાડતી ભાજપની જાહેરાત પર કોલકત્તા હાઇકોર્ટે રોક લગાવી દીધી હતી. હાઈકોર્ટના ફેસલા સામે ભાજપે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. અદાલતે ભાજપની અરજી ફગાવી દીધી હતી.
સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે આ પ્રકારની જાહેરાતો અપમાનજનક છે. તમે તમારા વિષે એમ કહી શકો છો કે તમે સારા છો પણ કોઈ બીજા વિષે આ પ્રકારની કટુતા વધારવાની છૂટ આપી શકાય નહીં. આમ કોર્ટે ભાજપની અરજી રદ કરી દીધી હતી.
સુપ્રીમ કોર્ટની વેકેશન બેન્ચે એમ કહ્યું હતું કે ચુંટણી દરમિયાન રાજકીય પક્ષોએ નિયંત્રિત રહેવું જોઈએ અને આ બાબતે ધ્યાન આપવું જોઈએ. એકતા અને અખંડતાને બનાવી રાખવા જોઈએ. સાફ દેખાઈ રહ્યું છે કે આવી જાહેરાતો વાંધાજનક છે તો પછી અમે હાઈકોર્ટના ફેસલામાં દખલ શા માટે કરીએ.
ગત 20 મેના રોજ કોલકત્તા હાઇકોર્ટે ભાજપની કેટલીક જાહેરાતો પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેમાં ટીએમસી અને તેના આગેવાનો પર ગંભીર આરોપ લગાવાયા હતા. 4 જૂન સુધી તેના પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો.