લાલુ પ્રસાદ યાદવે કોંગ્રેસને શું આપ્યો ઝટકો ? શું કહ્યું ? વાંચો
હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ ઈન્ડિયા ગઠબંધનમાં સંઘર્ષ છેડાઈ ગયો છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના બાદ હવે લાલુ પ્રસાદ યાદવે પણ મહાગઠબંધનનું નેતૃત્વ રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને સોંપવાની માગ કરી છે. રાહુલ ગાંધીના ખરાબ દિવસો આવી રહ્યા છે તેવો સંકેત મળી રહ્યો છે.
લાલુએ કહ્યું હતું કે ગઠબંધનના સુધારા માટે પ્રયાસો કરવા પડશે. કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવાથી કંઈ નથી થવાનું. ગઠબંધનના સાથીદારો પરિવર્તન ઈચ્છે છે અને તેઓ ચર્ચા કરી રહ્યા છે. લાલુ યાદવની આ ટિપ્પણી મહત્વની માનવામાં આવી રહી છે અને તેને બિહાર વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.
ગઠબંધન મજબૂત હોવું જોઈએ
લાલુ યાદવ દ્વારા પણ રાહુલ ગાંધીના બદલે મમતા બેનર્જીને ઈન્ડિયા ગઠબંધનના નેતા બનાવવાની માગ મહત્વપૂર્ણ છે. લોકસભા ચૂંટણી પહેલા લાલુ યાદવ સાથે તેમની સારી જુગલબંધી જોવા મળી હતી. રાહુલ ગાંધીને વરરાજા બનવા માટે રાજી કરનાર લાલુ યાદવના આ નિવેદનનું ખૂબ મહત્વ છે. તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે, માત્ર કોંગ્રેસ દ્વારા વાંધો ઉઠાવવાથી કંઈ નહીં થશે, પરંતુ ગઠબંધનને મજબૂત બનાવવા માટે નેતૃત્વમાં ફેરફાર જરૂરી છે અને તેમાં કંઈ ખોટું નથી.
લાલુનું લાંબુ ગણિત છે
લાલુ યાદવે આ માગ એવા સમયે ઉઠાવી છે જ્યારે તેજસ્વી યાદવ કોલકાતામાં છે. હકીકતમાં લાલુ યાદવના આ નિવેદનને વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે સીટ શેરિંગને લઈને એક નિવેદન આપ્યું હતું, જેમાં તેણે સ્ટ્રાઈક રેટના આધારે સીટ વહેંચણીની વાત કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ તેણે ઉદ્ધવ ઠાકરેની શિવસેના સાથે લાંબી ખેંચતાણ કરી હતી. બિહારમાં આવતા વર્ષે જ વિધાનસભા ચૂંટણી યોજાવા જઈ રહી છે જ્યાંરાજદ સાથે તેનું ગઠબંધન છે .આવી સ્થિતિમાં લાલુ યાદવ અને તેજસ્વી નથી ઈચ્છતા કે કોંગ્રેસને તેમના પર હાવી થવાની કોઈ તક આપવામાં આવે.