20 જાન્યુઆરીથી અયોધ્યામાં શું વ્યવસ્થા થઈ ? જુઓ
20 જાન્યુઆરીથી રામનગરી અયોધ્યામાં બહારના લોકોને પ્રવેશ નહીં મળે. અયોધ્યા ધામ અને શહેરમાં રહેનારા લોકોને તેમના ઘર સુધી પહોંચવાની મંજૂરી આપવામાં આવશે. જોકે આ માટે તેમને ઓળખ પત્ર બતાવવું પડશે. અયોધ્યા ધામમાં રહેતા લોકોને પોલીસ તંત્રએ 21 અને 22 જાન્યુઆરીએ ન નિકળવાની અપીલ કરી છે. અયોધ્યા શહેરમાં ફક્ત એ જ લોકો પ્રવેશ કરી શકશે, જેમને શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ તરફથી આમંત્રણ મળ્યું છે અથવા તે શહેરના રહેવાસી છે.
20 થી 22 જાન્યુઆરી સુધી અયોધ્યા ધામ હાઈ સિક્યોરિટી ઝોનમાં રહેશે. રામનગરીની તમામ બોર્ડર સીલ રહેશે. 20 જાન્યુઆરીથી જ અયોધ્યા ધામમાં બહારના વાહનોને પ્રવેશ ન આપવાની તૈયારી છે. આ વાહનોને ઉદયા ચોક, સાકેત પેટ્રોલ પંપ, નવા ઘાટ સહિત અન્ય એન્ટ્રી પોઈન્ટ પર રોકવામાં આવશે. માત્ર અયોધ્યા ધામમાં રહેતા લોકોને તેમના ઘર સુધી જવાની છૂટ અપાશે.
જિલ્લાના અન્ય વિસ્તારોથી અયોધ્યા કેન્ટ વિસ્તારમાં આવનારા લોકોને શહેરમાં નહીં રોકવામાં આવે. તો તંત્ર તરફથી જાહેર કરાતા ડાયવર્ઝન પ્લાનનું પાલન કરીને શહેરના ડેસ્ટિનેશન સુધી જઈ શકશે.
અયોધ્યા પોલીસ કમિશ્નર પ્રવીણ કુમારે કહ્યું કે, અયોધ્યા ધામમાં 20 જાન્યુઆરીથી માત્ર સ્થાનિક લોકોને પ્રવેશ મળશે. ફૈઝાબાદ શહેરમાં ડાયવર્ઝન સિવાય અન્ય માર્ગો પર લોકો જઈ શકશે. ડાયવર્ઝન પ્લાન શેર કરી દેવાશે. અયોધ્યાવાસી યજમાનની ભૂમિકામાં છે. તેમને અપીલ છે કે, મહેમાનોને કોઈ તકલીફ ન થાય, એટલા માટે તેઓ સહયોગ કરે. 21 અને 22 જાન્યુઆરીએ ન નીકળે.