દિલ્હીમાં નોંધાઈ રહેલા ‘વૉકિંગ ન્યુમોનિયા’ના કેસ શું છે ?? ન્યુમોનિયા અને વોકિંગ ન્યુમોનિયામાં ફરક શું ?
દિલ્હીની હવાની ગુણવત્તા ‘ગંભીર’ થી ‘અતિગંભીર’ સ્તર સુધી પહોંચી ગઈ. આ બગડતું પ્રદૂષણ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે, જેમાં ‘વૉકિંગ ન્યુમોનિયા’ના કેસોમાં વધારો પણ સામેલ છે. આ એક હળવો પ્રકારનો ન્યુમોનિયા છે જ્યાં વાયુમાર્ગમાં સોજો આવે છે અને ફેફસામાં લાળ એકત્ર થાય છે. જો કે તે સામાન્ય રીતે ગંભીર નથી હોતું પણ દેશની રાજધાનીના પ્રદૂષણે ઘણા લોકોને વધુ બીમાર કર્યા છે.
‘વૉકિંગ ન્યુમોનિયા‘ શું છે?
‘વૉકિંગ ન્યુમોનિયા’ શબ્દ 1930 ના દાયકાનો છે કારણ કે તેનાથી પીડિત લોકોને હજી પણ હોસ્પિટલની સંભાળની અથવા બેડ-રેસ્ટની જરૂર પડતી નથી. જો કે, દિલ્હીમાં ભારે પ્રદૂષણે શ્વસનતંત્ર સંબંધિત લક્ષણોને અવગણવા મુશ્કેલ બનાવ્યા છે. 2009માં થયેલા સંશોધનો દર્શાવે છે કે જે લોકો એક વર્ષ સુધી નાઈટ્રોજન ડાયોક્સાઇડના ઊંચા સ્તરો અને સૂક્ષ્મ કણોના સંપર્કમાં હોય તેમને ન્યુમોનિયા થવાની શક્યતા બમણી હતી.
બંને ન્યુમોનિયામાં ફરક શું?
નોર્મલ ન્યુમોનિયા ઘણીવાર ફેફસાના ચોક્કસ ભાગને અસર કરે છે, જ્યારે વૉકિંગ ન્યુમોનિયા આખા ફેફસામાં નાના પેચમાં ફેલાય છે. પ્રદૂષણ હળવા ન્યુમોનિયાને વધુ ગંભીર ચેપમાં ફેરવી શકે છે. તે સામાન્ય રીતે 5 થી 14 વર્ષની વયના બાળકોને અસર કરે છે, પરંતુ 40 વર્ષથી ઓછી ઉંમરના પુખ્ત વયના લોકોને પણ તે થઈ શકે છે. અસ્થમા, નબળી રોગપ્રતિકારક શક્તિ, ક્રોનિક રોગો અથવા અમુક દવાઓ જેમ કે સ્ટીરોઈડ લેતા લોકોને વધુ જોખમ હોય છે.
લક્ષણો
વૉકિંગ ન્યુમોનિયાના લક્ષણો ફલૂ જેવા જ છે. તાવ, ઠંડી લાગે, ઉધરસ, માથાનો દુખાવો, ગળું, નબળાઈ, ફોલ્લીઓ થવી વગેરે. લક્ષણો સામાન્ય શરદી કરતાં લાંબા સમય સુધી રહેતા હોય છે, જે સામાન્ય રીતે ત્રણથી પાંચ દિવસ સુધી ચાલે છે. વૉકિંગ ન્યુમોનિયા ઘણીવાર શારીરિક તપાસ અથવા એક્સ-રે દ્વારા નિદાન થાય છે.
વોકિંગ ન્યુમોનિયા ચેપી છે?
વૉકિંગ ન્યુમોનિયા ફેલાય છે જ્યારે ચેપગ્રસ્ત વ્યક્તિ શ્વાસ લે છે, વાત કરે છે, ઉધરસ કરે છે અથવા અન્યની નજીક છીંક ખાય છે ત્યારે નાના ડ્રોપલેટ્સ ચેપ ફેલાવે છે. વાયરસ ઝડપથી ફેલાય છે અને ચેપગ્રસ્ત વ્યક્તિ 10 દિવસ સુધી ચેપી રહે છે. ચેપનો ફેલાવો શાળા અને કોલેજો જેવા ભીડવાળા સ્થળોએ વધુ થતો હોય છે.
તેની સારવાર કેવી રીતે થાય છે?
જો બેક્ટેરિયા ચેપનું કારણ હોય, તો ડૉક્ટર એન્ટિબાયોટિક્સ દવા આપી શકે. જો તે વાયરલ હોય, તો સામાન્ય રીતે પરેજી પાળીને આરામ કરવો પડે અને સીમ્પટોમેટીક દવા લઇ શકાય.
વૉકિંગ ન્યુમોનિયાને રોકવા માટેની ટીપ્સ:
- ફ્લૂ-સંબંધિત ન્યુમોનિયાના જોખમને ઘટાડવા માટે વાર્ષિક ફ્લૂ શૉટ મેળવો.
- તમારા ડૉક્ટરને પૂછો કે શું તમારે ન્યુમોનિયાની રસી લેવી જોઈએ, જે ચોક્કસ પ્રકારના ન્યુમોનિયા સામે રક્ષણ આપી શકે છે.
- તંદુરસ્ત જીવનશૈલી જાળવો: પૂરતી ઊંઘ લો, પૌષ્ટિક આહાર લો અને નિયમિત કસરત કરો.
- ગરમ, સાબુવાળા પાણીથી વારંવાર તમારા હાથ ધોવા.
- ધૂમ્રપાન ટાળો.
- જ્યારે તમે ખાંસી કે છીંક ખાઓ ત્યારે તમારું મોં ઢાંકો અને અન્ય લોકોને પણ ચેપ ફેલાવતા અટકાવવા માટે આવું કરવા પ્રોત્સાહિત કરો.
દિલ્હીની હવા કેટલી ખરાબ છે?
દિલ્હી ગંભીર વાયુ પ્રદૂષણ સામે ઝઝૂમી રહ્યું છે. હવા ઘણીવાર ધુમ્મસ અને હાનિકારક પ્રદૂષકોથી ભરેલી હોય છે, જે આશરે સાત કરોડ રહેવાસીઓને અસર કરે છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) કહે છે કે મુખ્ય પ્રદૂષક PM2.5 છે – હવામાં રહેલા નાના કણો જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. શહેરની હવાની ગુણવત્તામાં થોડો સુધારો થયો છે, પરંતુ 373 ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) સાથે ‘ખૂબ જ નબળી’ રહે છે.
દિલ્હીના 38 એર મોનિટરિંગ સ્ટેશનોમાંથી નવમાં AQI સ્તર ‘ગંભીર’ શ્રેણીમાં નોંધાયું છે. આ વિસ્તારોમાં આનંદ વિહાર, બવાના, જહાંગીરપુરી અને નેહરુ નગરનો સમાવેશ થાય છે. પ્રદૂષણને કારણે, કેન્દ્ર સરકારે કર્મચારીઓ માટે કામકાજના ચોક્કસ કલાકો લાગુ કર્યા છે અને શાળાઓને ઑનલાઇન વર્ગોમાં ચાલે છે.