ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે કેવા થયા કરાર ? વાંચો
ભારત અને સંયુક્ત આરબ અમીરાત બંને દેશો વચ્ચે ફૂડ કોરિડોરની યોજના પર કામ કરી રહ્યા છે. આ ક્રમમાં, ફૂડ પાર્કના ફૂડ પ્રોસેસિંગ અને લોજિસ્ટિક્સમાં લગભગ $2 બિલિયન (આશરે રૂ. 17,000 કરોડ)ના પ્રારંભિક રોકાણની યોજના છે.
કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે મુંબઈમાં 12મી હાઈ લેવલ ઈન્વેસ્ટમેન્ટ ટાસ્ક ફોર્સ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે પહેલનો હેતુ યુએઇની ખાદ્ય સુરક્ષાને મજબૂત કરવાનો છે અને તેનાથી ભારતીય ખેડૂતોને પણ ફાયદો થશે. આ પ્રોજેક્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ અને લોજિસ્ટિક્સ સહિતના કેટલાક મુખ્ય ક્ષેત્રોમાં $100 બિલિયનની વ્યાપક રોકાણ વ્યૂહરચનાનો એક ભાગ છે.
ગોયલે કહ્યું, ‘આ રોકાણ બે રૂટથી આવે છે. એક સીધો યુએઈથી આવે છે જેમાં આ ક્ષેત્રમાં લગભગ 20 અબજ ડોલરનું રોકાણ થવાનું છે. જો કે, વિશ્વભરના અન્ય ઘણા ફંડ્સ પણ સહ-રોકાણ કરી રહ્યા છે.
આ ટાસ્ક ફોર્સમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને યુએઇ સામેલ છે. આ પ્રોજેક્ટને ઝડપથી આગળ વધારવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે.
ગોયલના મતે, આ પ્રોજેક્ટથી ભારતમાં ખેડૂતોની આવકમાં વધારો થવાની અને ભારતના યુવાનો માટે નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે. આ પ્રોજેક્ટને યુએઇ અને ગલ્ફ પ્રદેશમાં કૃષિ ઉત્પાદનોનો સ્થિર નિયમિત પુરવઠો પૂરો પાડવાની પહેલ તરીકે જોવામાં આવે છે.