એસબીઆઇએ સુપ્રીમ કોર્ટમાં શું કરી એફિડેવિટ ? જુઓ
કઈ માહિતી આપી ?
સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ ચૂંટણી પંચને ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા મંગળવારે જ સાંજે સોંપી દીધો હતો ત્યારબાદ બુધવારે એસબીઆઇએ આ મામલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરી હતી જેમાં કોર્ટને કહ્યું છે કે, ચૂંટણી બોન્ડ સંબંધિત વિગતો પંચને ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
આ એફિડેવિટમાં બેંકે ડેટા દ્વારા જણાવ્યું છે કે 1લી એપ્રિલ 2019થી 15મી ફેબ્રુઆરી 2024 સુધી કુલ 22217 ઈલેક્ટોરલ બોન્ડ વેચવામાં આવ્યા છે. જેમાંથી 22030 રિડીમ કરવામાં આવ્યા છે. જેમાંથી 187નું પેમેન્ટ લેવામાં આવ્યું નથી. દેખીતી રીતે નિયમો અનુસાર તે પીએમ રાહત ફંડમાં જમા કરવામાં આવ્યા છે.
એસબીઆઇના સીએમડી દિનેશ ખરાએ સુપ્રીમ કોર્ટને કહ્યું છે કે, તેમણે કોર્ટના આદેશનું પાલન કર્યું છે. એસબીઆઇએ ઈલેક્ટોરલ બોન્ડની ખરીદી અને વેચાણ, તેના ખરીદદારોના નામ સહિત તમામ સંબંધિત માહિતી અંગે એક અહેવાલ તૈયાર કર્યો છે અને તે સમયસર પંચને પ્રદાન કરવામાં આવ્યો છે.
એસબીઆઇએ તેના સોગંદનામામાં કહ્યું છે કે બેંકે પેનડ્રાઈવ અને 2 પીડીએફ ફાઈલ દ્વારા સીલબંધ કવરમાં સામગ્રી સોંપી છે, જે પાસવર્ડથી સુરક્ષિત છે. ચૂંટણી બોન્ડ જે કોઈપણ પક્ષને ચૂકવવામાં આવ્યા નથી. તેની રકમ પીએમ રિલીફ ફંડમાં જમા કરવામાં આવી છે.