સલમાન ખાનને પોલીસે શું આપી વધારાની વ્યવસ્થા ? શા માટે ? જુઓ
એનસીપી અજિત પવાર જૂથના નેતા અને મહારાષ્ટ્ર સરકારના પૂર્વ પ્રધાન બાબા સિદ્દીકીની શનિવારે રાત્રે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આની જવાબદારી લોરેન્સ ગેંગે લીધી છે. સિદ્દીકીના નજીકના મિત્ર ગણાતા અભિનેતા સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. તેના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટ આસપાસ વધારાની સુરક્ષા પૂરી પડાઈ છે.
રાજકારણમાં રસ ન ધરાવતા લોકો બાબા સિદ્દીકીને તેમની ઈફ્તાર પાર્ટીઓ માટે ઓળખતા હતા. મુંબઈમાં દર વર્ષે રમઝાન નિમિત્તે યોજાતી આ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સની ભીડ જોવા મળતી હતી અને તેમાં સલમાન, શાહરુખ સહિતની હસ્તીઓ આવતી હતી.
સલમાન, શાહરુખ વચ્ચે સમાધાન
ઘણા ઓછા લોકો જાણે છે કે શાહરૂખ ખાન અને સલમાન ખાન વચ્ચે વર્ષો જૂના ઝઘડાનો અંત લાવવાનું કારણ આ પાર્ટી હતી, દર વર્ષની જેમ વર્ષ 2013માં પણ બાબા સિદ્દીકીએ ઈફ્તાર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં સલમાન પહેલાથી જ હાજર હતો, જ્યારે શાહરૂખ ખાન તેની પછી પહોંચ્યો હતો.
યોગાનુયોગ જ્યારે શાહરૂખ પાર્ટીમાં પહોંચ્યો ત્યારે સલમાન પણ ત્યાં હાજર હતો. પાર્ટીના હોસ્ટ બાબા સિદ્દીકીએ પહેલા શાહરૂખને ગળે લગાવ્યો અને પછી સલમાનને ખેંચીને ગળે લગાવ્યો. બાબા સિદ્દીકીને ગળે લગાવતા બંને સુપરસ્ટાર એક જ ફ્રેમમાં આવ્યા હતા. આ દરમિયાન સલમાનના પિતા સલીમ ખાન પણ હાજર હતા.