સીજીએસટીના અધિક્ષક સામે શું પગલાં લેવાયા ? કેટલી લાંચ માંગી હતી ?જુઓ
સીબીઆઈએ ભ્રષ્ટાચારના આરોપસર મુંબઇમાં સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) વિભાગની ટેક્સ ચોરી વિરોધી શાખામાં નિયુક્ત સુપરિન્ટેન્ડેન્ટ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી હતી. સાથે 2 કમિશનરો સહિત 6 અધિકારીઓ સામે પણ કેસ દાખલ કરતાં ભારે ખળભળાટ મચી ગયો છે. એક વેપારીની ફરિયાદ બાદ કાર્યવાહી થઈ હતી. રૂપિયા 60 લાખની લાંચ માટે વેપારીને 18 કલાક ઓફિસમાં બંધક બનાવાયો હતો.
અધિકારીઓએ રવિવારે મીડિયાને આ જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે સુપરિન્ટેન્ડેન્ટ સચિન ગોકુલકા, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ રાજ અગ્રવાલ અને અભિષેક મહેતાની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તેઓ 20 લાખ રૂપિયાની લાંચ લેતા હતા.
સીબીઆઈએ સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (CGST) મુંબઈના છ અધિકારીઓ વિરુદ્ધ ફરિયાદ પર કેસ નોંધ્યો હતો. આ કેસ એક વેપારીની ફરિયાદ પર નોંધવામાં આવ્યો હતો, જેણે આરોપ લગાવ્યો હતો કે જ્યારે તે 4 સપ્ટેમ્બરે CGSTની સાંતાક્રુઝ ઓફિસમાં ગયો હતો, ત્યારે તેને આખી રાત ત્યાં બંધક બનાવી રાખવામાં આવ્યો હતો.
ધરપકડ નહીં કરવા 60 લાખ માંગ્યા
તેણે આરોપ લગાવ્યો હતો કે તેને 18 કલાકની કેદ બાદ 5 સપ્ટેમ્બરે મુક્ત કરવામાં આવ્યો હતો. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે કસ્ટડીમાં ગોકુલકાએ તેમની ધરપકડ ન કરવા માટે કથિત રીતે 80 લાખ રૂપિયાની લાંચ માંગી હતી, જે બાદમાં ઘટાડીને 60 લાખ રૂપિયા કરવામાં આવી હતી. એક નિવેદનમાં, સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે સુપરિન્ટેન્ડેન્ટના અન્ય ત્રણ સહયોગીઓએ પણ ફરિયાદી પર દબાણ લાવવામાં કથિત રીતે તેમને ટેકો આપ્યો હતો, જેમાં બળનો વારંવાર ઉપયોગ અને સત્તાનો દુરુપયોગનો સમાવેશ થાય છે.