પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સામે મહિલા કર્મી સાથે બે વખત છેડતી કર્યાનો આરોપ
વડાપ્રધાન ની મુલાકાત પૂર્વે રાજકારણ ગરમાયું
સંદેશખાલી પ્રકરણમાં ઘેરાયેલી ટીએમસીને ટાંકણે જ ભાજપ પર પ્રહાર કરવાનું શસ્ત્ર મળી ગયું
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે જવાના હતા તેના આગલા દિવસે જ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝ સામે રાજભવનની એક મહિલા કર્મચારીએ છેડતી કર્યાની ફરિયાદ કરતા ભારેચાર જાગી ગઈ છે. રાજ્યપાલે આક્ષેપો ઉપજાવી કાઢેલા હોવાનું જણાવ્યું હતું અને સાથે જ રાજભવનમાં પોલીસના પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો.
રાજભવનમાં 2019 થી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતી મહિલાના જણાવ્યા અનુસાર કાયમી નોકરી આપવાની લાલચ આપી રાજ્યપાલે 24 એપ્રિલ થી અત્યાર સુધીમાંતેમની ચેમ્બરમાં બે વખત તેની છેડતી કરી હતી.
તેના જણાવ્યા અનુસાર શુક્રવારે તે તેના સુપરવાઇઝર સાથે રાજ્યપાલની ચેમ્બરમાં ગઈ ત્યારે રાજ્યપાલે સુપરવાઇઝરને બહાર મોકલીને અડપલાં શરૂ કર્યા હતા. પોતે જેમ તેમ કરી રડતા રડતા ભાગી ત્યારે રાજભવનના કેટલાક કર્મચારીઓએ તેને રોકવાનો અને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હોવાનો એ મહિલાએ દાવો કર્યો હતો.
શું કહ્યું પોલીસે?
પોલીસના જણાવ્યા અનુસાર એ મહિલા રડતા રડતા રાજભવનની પોલીસ ચોકીએ પહોંચી હતી અને ગવર્નરે છેડતી કર્યા નો આક્ષેપ કર્યો હતો. બાદમાં લાલબઝાર પોલીસ મથકમાંથી મોકલવામાં આવેલા એક મહિલા પોલીસ અધિકારી એ પીડીતાને હારે સ્ટ્રીટ પોલીસ મથકે લઈ ગયા હતા જ્યાં મહિલાએ લેખિત ફરિયાદ નોંધાવી હતી. બનાવવાની ગંભીરતા નિહાળી આઇપીએસ અધિકારીઓ પણ પોલીસ મથકે દોડી ગયા હતા. બાદમાં ઉચ્ચ આઈપીએસ અધિકારીઓની બેઠકમાં કાનૂની અભિપ્રાય મેળવવાનો નિર્ણય લેવાયો હતો. નોંધનીય છે કે ભારતના બંધારણની કલમ 361 મુજબ રાજ્યપાલ કે રાષ્ટ્રપતિ સામે ક્રિમિનલ કે સિવિલ કેસ થઈ શકતો નથી.
રાજભવનમાં પોલીસના પ્રવેશ પર પ્રતિબંધ
રાજભવનની સત્તાવાર યાદી મુજબ ચૂંટણી સમયે જ રાજકારણથી પ્રેરિત ખોટી અને ઉપજાવી કાઢેલી ફરિયાદના અનુસંધાને ગેરકાયદે તપાસ કરતી રોકવા માટે પશ્ચિમ બંગાળ પોલીસના રાજભવનમાં પ્રવેશ પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો. એ જ રીતે કોલકત્તા, દાર્જિલિંગ અને બરાકપોર ખાતે આવેલા રાજ્યપાલના નિવાસ્થાનોમાં પશ્ચિમ બંગાળના ટીએમસીના મંત્રી ચંદ્રિમાં ભટ્ટાચાર્યના પ્રવેશ ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
ટીએમસીને જોરદાર મુદ્દો મળી ગયો
કર્ણાટકમાં પ્રજ્જવલ રેવાનાનું સેકસ કૌભાંડ ભાજપ માટે શીરદર્દ સમાન બની ગયું છે ત્યાં બંગાળમાં પણ એવા જ મુદ્દે ભાજપ ભિંસ માં આવી ગયો છે. બંગાળના સંદેશખાલીમાં ટીએમસીના ધારાસભ્ય અને નેતાઓ દ્વારા મહિલાઓ ઉપર દુષ્કર્મ અને અત્યાચારોના મામલે ઘેરાઈ ગયેલી ટીએમસીને નવું શસ્ત્ર મળી ગયું છે. ટીએમસી ના નેતાઓએ કહ્યું કે સંદેશ કાલીની ઘટનામાં અતિશયોક્તિ કરી અને ટી એમસી સરકારને આરોપીના કઠેડામાં ખડી કરી દેનાર અને મગરના આંસુ સરનાર ગવર્નર પોતે કેટલા ચારિત્ર્યવાન છે તે બંગાળની પ્રજાને જાણ થઈ ગઈ છે. ટીએમસી દ્વારા રાતોરાત આ મુદ્દાને પ્રચારમાં કેન્દ્રસ્થાને લાવી દેવામાં આવ્યો છે.