બદલાની રાજનીતિ નહીં કરીએ, જનતાને આપેલા વાયદા પૂરા કરશું
મહારાષ્ટ્રમાં ફડનવીસે ગુરુવારે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ પ્રથમ પત્રકાર પરિષદ સંબોધી હતી અને એમ કહ્યું હતું કે અમે અમારા શાસનમાં બદલાની રાજનીતિ કરશું નહીં. વિપક્ષનો અવાજ દબાવવામાં આવશે નહીં. એમના યોગ્ય મુદ્દાઓ પર ચર્ચા કરશું.
એમણે એવી ખાતરી પણ આપી હતી કે મહારાષ્ટ્રની જનતાને જે વાયદા કર્યા છે તે પૂરા કરશું. મંત્રીમંડળ વિસ્તાર અંગે ફડનવીસે કહ્યું હતું કે ગઠબંધન સરકારમાં સમય લાગે જ છે પણ બહુ મોડું થશે નહીં. નાગપુરમાં અધિવેશન મળ્યા બાદ વિભાગોની ફાળવણી થઈ જશે.
શપથ બાદ પ્રથમ કેબિનેટની બેઠક પણ મળી હતી અને તેના વિષે એમણે એવી માહિતી આપી હતી કે વિકાસના કામ ચાલુ જ રાખવા માટે અધિકારીઓને આદેશ આપવાનો અમે નિર્ણય કર્યો છે. હળવી પળોમાં એમણે કહ્યું હતું કે પહેલા ૨૦-૨૦ મેચ હતો અને હવે ટેસ્ટ મેચ શરૂ થયો છે.
મંત્રીઓ અને વિભાગો અંગે કહ્યું હતું કે વિભાગોમાં બહુ વધારે બદલાવ કરવામાં આવશે નહીં. આ બારામાં પણ અમારા વચ્ચે સહમતી છે. કોઈ અડચણ નથી. અમે જનતાને સારી સરકાર આપશું.