અમે (રોહિત-કોહલી) નિવૃત્ત નથી થવાના !! બન્ને વચ્ચેની વાતચીતનો વીડિયો વાયરલ : હજુ અનેક શ્રેણી રમશે
રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ઈન્ડિયાએ ટી-૨૦ વર્લ્ડકપ બાદ હવે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી પણ પોતાના નામે કરી લીધી હતી. ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ૧૨ વર્ષ બાદ ચેમ્પિયન્સ ટ્રોફી ભારતે જીતી હતી. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માનું યોગદાન મહત્ત્વનું રહ્યું હતું જેણે ૭૬ રન ફટકારી જીતનો પાયો નાખ્યો હતો.
ભારતના ચેમ્પિયન બન્યા બાદ એક ચર્ચાએ જોર પકડી લીધું હતું કે હવે રોહિત અને કોહલી બન્ને સંન્યાસ લઈ લેશે ? જો કે જીત મેળવ્યા પછી કોહલી-રોહિતે સ્ટમ્પ હાથમાં લઈને જે પ્રકારે દાંડિયા રમીને ઉજવણી કરી અને બરાબર ત્યારે જ બન્ને વચ્ચે જે વાતચીત થઈ તેના પરથી સ્પષ્ટ થઈ ગયું હતું કે હાલ પૂરતા આ બન્ને નિવૃત્ત થવાના નથી.
સોશ્યલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે જેમાં રોહિત શર્મા અને વિરાટ એકબીજાને કહી રહ્યા છે કે આપણે નિવૃત્ત નથી થઈ રહ્યા ભાઈ…બન્નેના લિપસિંગને જોઈને ચાહકોની ખુશીનું ઠેકાણું રહ્યું ન્હોતું. આ દરમિયાન રોહિત-કોહલીએ એકબીજાને ભાવુકતાથી ભેટી પણ પડ્યા હતા.
હવે ૧૧ દિવસ ટીમ ઈન્ડિયા કરશે `એન્જોય’; ૨૨થી IPL માટે એક્શનમાં…!
ન્યુઝીલેન્ડ સામે ફાઈનલમાં જીત મેળવ્યા બાદ હવે ૧૧ દિવસ સુધી ટીમ ઈન્ડિયા આ જીતની ઉજવણીમાં જ વ્યસ્ત રહેશે. ૨૨ માર્ચથી ભારતના તમામ ખેલાડી આઈપીએલ-૨૦૨૫ માટે એક્શનમાં ઉતરશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, રાહુલ, અય્યર, જાડેજા, વરુણ, અર્શદીપ, શમી સહિતના સ્ટાર ખેલાડીઓ પોતપોતાની આઈપીએલ ટીમ વતી રમતાં જોવા મળશે. આ ટૂર્નામેન્ટ બે મહિના સુધી ચાલ્યા બાદ તમામ ખેલાડીઓ આગલા મિશનની તૈયારીમાં લાગી જશે. બીજી બાજુ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મળ્યા બાદ વિક્ટરી પરેડની પણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જે મુંબઈ, દિલ્હી અથવા તો કોલકત્તામાં નીકળી શકે છે.