કોરોનાકાળ જેવા પડકારનો સામનો કરવા તૈયાર રહેવું પડશે: વડાપ્રધાને કહ્યું,’પેટ્રોલ, ડીઝલ-ગેસની અછત ન થાય તે માટે સરકાર સક્રિય’
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા અતિ ભયાનક યુદ્ધમાં વિશ્વ આખું સંકટમાં છે ત્યારે વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ કરવા અને દેશની તૈયારી સહિતની બાબતો અંગે લોકસભામાં મહત્વનું નિવેદન આપ્યું હતું અને એમ કહ્યું હતું કે, મીડલિસ્ટની સ્થિતિ અત્યારે ચિંતાજનક બની છે. વિશ્વની હાલત વિષમ છે અને ભારત સામે પણ આ યુદ્ધે અનેક પડકારો ઉભા કરી દીધા છે.
વડાપ્રધાને કહ્યું કે, ભારત સામે અણધાર્યા પડકારો ઉભા છે ત્યારે આ યુદ્ધની વિપરીત અસર લાંબા સમય સુધી રહી શકે એમ છે. જો કે, દેશમાં પેટ્રોલ, ડીઝલ કે ગેસની કોઈ અછત ઉભી ન થાય અને લોકો પર તેની વધુ અસર ન રહે તે માટે સરકાર પ્રયત્નશીલ છે અને સક્રિય છે. યુદ્ધમાં જે પ્રભાવિત દેશો છે ત્યાંથી જ ભારત ક્રુડ અને ગેસ મોટા પ્રમાણમાં આયાત કરે છે. જો કે, ભારત સંપૂર્ણ રીતે સજાગ અને સતર્ક છે. જો કે, આપણે કોરોના સમયે જે રીતે સંગઠિત થઈને પડકારનો સામનો કર્યો હતો તેવી જ રીતે આ સંકટમાં પણ આપણે પડકારોનો સામનો કરવા માટે સતર્ક અને તૈયાર રહેવું પડશે.
એમણે એવી માહિતી આપી હતી કે, ભારત પાસે આજે પણ 53 લાખ મેટ્રિક ટન પેટ્રોલિયમનો ભંડાર રિઝર્વ છે. દેશ પોતાની જરૂરિયાતનો ઘણો બધો એલપીજી આયાત કરે છે. ભારત 60 ટકા એલપીજી આયાત કરે છે જેની સપ્લાયમાં અનિશ્ચિતતા ઉભી થઈ છે. જો કે, ભારતમાં જ એલપીજીનું પ્રોડક્શન વધારી દેવામાં આવ્યું છે. સરકાર જુદા જુદા દેશો સાથે સંપર્કમાં છે અને શક્ય હોય તે દેશમાંથી આપણને આ પુરવઠો મળતો રહે તે માટેના પ્રયાસો સતત સરકાર કરી રહી છે.
એમણે કહ્યું કે, ખાદીના દેશોમાં એક કરોડ ભારતીયો રહે છે અને કામ કરી રહ્યા છે અને મેં મોટાભાગના પ્રભાવિત રાષ્ટ્રના વડાઓ સાથે વાત કરી છે અને ભારતીયોની સંપૂર્ણ સુરક્ષાની ખાતરી મળી છે. તમામ ભારતીય દૂતાવાસો મદદ કરી રહ્યા છે, યુદ્ધ શરૂ થયા બાદ અત્યાર સુધી પોણા ચાર લાખ ભારતીયો સુરક્ષિત રીતે ભારત પાછા ફર્યા છે.
હોર્મુઝમાં જહાજો આડેના અવરોધ અસ્વીકાર્ય
વડાપ્રધાન મોદીએ ભારતનું વલણ સ્પષ્ટ છે તેવી માહિતી આપીને કહ્યું હતું કે, હોર્મુઝ જળ માર્ગમાં એલપીજી અને ક્રુડ લઈ આવતા જહાજોને અવરોધવાના પગલાં કોઈ કાળે સ્વીકાર્ય નથી અને ભારત તેનો વિરોધ કરે છે. નાગરિક અને પાવર પ્લાન્ટ પરના હુમલા પણ સ્વીકાર્ય નથી અને ભારત હંમેશા શાંતિનો રાહ ચિંધે છે અને વાતચિતથી જ સમાધાન શક્ય બનશે તેવી વાત પણ ભારતે કરી છે.
41 દેશોથી ઉર્જા આયાત થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં યુદ્ધ દરમિયાન લોકોને કોઈપણ પ્રકારની અછતનો સામનો કરવો નહીં પડે તેની ખાતરી આપીને એવી માહિતી આપી હતી કે, ભારત 41 દેશો પાસેથી ઉર્જા આયાત કરે છે. વિકલ્પ પણ ભારત પાસે મજબૂત છે. અત્યાર સુધીમાં હોર્મુઝ જળ માર્ગમાંથી અનેક જહાજ સુરક્ષિત રીતે આવ્યા છે. અમે એક મંત્રી ગ્રુપ બનાવ્યું છે જે સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ પ્લાન બનાવવામાં આવ્યા છે.
દેશમાં વીજળીની કોઇ અછત નહીં થાય
વડાપ્રધાને એવી ખાતરી પણ આપી હતી કે, યુદ્ધ ભયંકર તબક્કામાં છે અને અનેક દેશોને એલપીજી અને ક્રુડની તકલીફ પડી રહી છે ત્યારે આપણા દેશમાં વીજળીની કોઈ સમસ્યા થવાની નથી. વીજળીની ડિમાન્ડ વધશે તો પણ અત્યારે દેશના પાવર પ્લાન્ટ પાસે પુરતો કોલસાનો સ્ટોક છે અને સરકાર બધા પાવર પ્લાન્ટનું મોનિટરિંગ કરી રહી છે. આમ, દેશમાં વીજળી ઉત્પાદન પ્રભાવિત થવાનું નથી. વીજળીની કોઈ તકલીફ પડવાની નથી.
