પાણી ચોરાય જ ને! રાજકોટમાં 45000 ભૂતિયા નળ કનેક્શન, હવે કનેક્શન શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરશે મહાપાલિકા
રાજકોટની વસતી અને વિસ્તારમાં સતત વધારો થઈ રહ્યો છે પરંતુ પીવાના પાણીના સ્ત્રોત વર્ષો પહેલાં હતા એટલા જ આજે હોવાથી વારંવાર જળાશય ખાલી થઈ જવાને કારણે સરકાર પાસેથી વેચાતું પાણી લેવું પડી રહ્યું છે. અત્યારે શહેરમાં દૈનિક 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે પરંતુ ઘણા વિસ્તારોમાં લાઈન લીકેજ ઉપરાંત ભૂતિયા નળ કનેક્શન હોવાથી પાણીની ચોરી તેમજ વેડફાટ પણ એટલો જ થઈ રહ્યો હોય મહિનાઓ પહેલાં શહેરમાં ભૂતિયા કનેક્શન શોધવા માટેનું કામ એક એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ સર્વેનું 70% કામ પૂર્ણ થયા સુધીમાં જ શહેરમાં 45,000થી વધુ ભૂતિયા નળ કનેક્શન હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો :દિવાળીનો અજવાસ: રાજકોટમાં રહેતા કિશોરભાઈ આંખે પાટા બાંધી 1 મિનિટમાં બનાવે છે 14 દીવા, ‘ઓપરેશન સિંદૂર’ના દીવડા આકર્ષણનું કેન્દ્ર
શહેરમાં અત્યારે 5.35 લાખ જેટલી મિલકત હોવાનું તંત્રના ચોપડે નોંધાયેલું છે. આ તમામ મિલકતોનું જીઓ ટેગિંગ કરવાનું કામ એજન્સીને સોંપવામાં આવ્યું હતું. આ ઉપરાંત નળ કનેક્શન, ડ્રેનેજ કનેક્શન સહિતની કામગીરી પણ સર્વેમાં આવરી લેવામાં આવી હતી. આ કામ કરાવવા પાછળનો હેતુ તંત્રનો એ હતો કે મિલકતની સઘળી માહિતી એક જ ક્લિક ઉપર ઉપલબ્ધ બની શકે. જો કે એજન્સી દ્વારા 70% કામગીરી પૂર્ણ કરાયા બાદ દાંડાઈ કરવામાં આવી રહી હોવાથી તેને નોટિસ અપાઈ હતી જેના કારણે તેણે કામ જ બંધ કરી દેતાં હવે બાકીની 30% કામગીરી પૂર્ણ કરાવવા માટે નવેસરથી ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો :તિરુપતિથી લઈ દ્વારિકાધીશને અર્પણ થતાં સોનાના આભૂષણો બને છે રાજકોટમાં : સોની બજારમાં બારેય માસ બને દેવોના આભૂષણો
આ કામગીરીમાં બાકી રહેલી મિલકતોનું જીઓ ટેગિંગ તેમજ ભૂતિયા નળ કનેક્શન શોધવાનું કામ પૂર્ણ કરાશે. આ પ્રમાણે પૂર્ણ થયેલી કામગીરીમાં શહેરમાં 45000 કનેક્શન ગેરકાયદે હોવાનું અને તેના મારફતે બેફામ પાણીચોરી તેમજ વેડફાટ થઈ રહ્યાનું ધ્યાન પર આવતા એજન્સીની ટીમ દ્વારા ઘેર-ઘેર જઈને નળ કનેક્શન કાયદેસર છે કે ગેરકાયદેસર તેની ખરાઈ કરવામાં આવશે અને જો ગેરકાયદેસર જણાશે તો તેની નોંધ કરી તંત્રને આપવામાં આવશે. જો કે આ મુદ્દે પણ ગોલમાલ થવાની આશંકા છે કેમ કે એજન્સીના સ્ટાફને મિલકતધારક દ્વારા કનેક્શન કાયદેસર હોવાનો જવાબ અપાશે તો કનેક્શન કાયદેસર છે તે પ્રમાણે નોંધ કરી લેવામાં આવશે મતલબ કે ટીમ દ્વારા કનેક્શનની ઉંડાઈથી ચકાસણી કરાશે નહીં !
