શહીદ થયેલા ભારતીય સૈનિકોનું યુદ્ધ સ્મારક ફ્રાન્સના ગામમાં !! જાણો પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતનું યોગદાન શું હતું ??
- મોદી અને મેક્રોન મેઝેરેગ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાતે
- ભુલાઈ ગયેલા વીર ભારતીય નાયકો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 12 ફેબ્રુઆરીના રોજ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે માર્સેલીમાં મઝાર્ગ્યુસ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાત લીધી હતી. (ઈંગ્લીશ સ્પેલિંગમાં તે Mazargues લખાય છે પણ તેનો ઉચ્ચાર મેઝેરેગ થશે એટલે આપણે એ જ રીતે તેની જોડણી કરીશું.) અહીં આપણા વડાપ્રધાને પ્રથમ વિશ્વયુદ્ધમાં તેમની સેવા બદલ યાદ કરાયેલા 900 સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. આ બહાદુર સૈનિકોમાં ઘણા ભારતીય સૈનિકો હતા જેઓ ફ્રાન્સમાં માટે લડ્યા હતા. ફ્રાન્સ હજુ પણ શહીદ ભારતીય સૈનિકોને ભૂલ્યું નથી તે એક સારી બાબત કહેવાય. પણ ભારતીયો ભૂલી ગયા છે. આ પાછળનો ઈતિહાસ ઘણો રસપ્રદ છે અને એક સજાગ ભારતીય નાગરિક તરીકે આ ઈતિહાસ જાણવો પણ જોઈએ.
પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતનું યોગદાન
ઓગસ્ટ ૧૯૧૪માં જ્યારે બ્રિટન પ્રથમ વિશ્વયુદ્ધમાં શામેલ થયું ત્યારે ભારત જે તે સમયે બ્રિટિશ વસાહત હતું એટલે કે બ્રિટનનું ગુલામ રાષ્ટ્ર હતું. માલિકનો દુશ્મન એ ગુલામનો દુશ્મન એ સીધી વાત છે. માટે પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારત પણ આપમેળે વિશ્વયુદ્ધમાં જોડાયું. ૧૩ લાખથી વધુ ભારતીય સૈનિકોને વિશ્વભરના યુદ્ધક્ષેત્રોમાં મોકલવામાં આવ્યા હતા, જેમાંથી ૧,૩૮,૦૦૦ સૈનિકો યુરોપમાં, ખાસ કરીને ફ્રાન્સ અને બેલ્જિયમમાં તૈનાત કરવામાં આવ્યા હતા. આ સૈનિકો ભારતના વિવિધ ભાગોમાંથી આવ્યા હતા જેમાં પંજાબ, રાજસ્થાન, ગઢવાલ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. પારકા દેશોની લડાઈમાં ભારતના સૈનિકો ગયા હતા તે વિચિત્ર વાત છે. જો કે ભારતીય સૈનિકોને પગાર મળતો પણ જીવનું જોખમ પણ એટલું જ રહેતું. વતન પરત ફરી શકશે કે નહિ એ કોઈને ખ્યાલ ન હતો.

પશ્ચિમી મોરચે ભારતીય સૈનિકો
ભારતના ખુશ્કીદળની બે ઇન્ફ્રન્ટ્રી ડીવીઝન અને એક કેવેલરી બ્રિગેડને પશ્ચિમી મોરચા પર બ્રિટિશ અને ફ્રેન્ચ સૈન્યમાં જોડાવાનો આદેશ આપવામાં આવ્યો. સપ્ટેમ્બર ૧૯૧૪ સુધીમાં, ભારતીય સૈનિકો ફ્રાન્સ પહોંચી ગયા હતા. આપણા સૈનિકોને ખાસ તાલીમ આપવામાં આવી ન હતી. એક રીતે કહીએ તો ભારતીય સૈનિકોને ભગવાન ભરોસે છોડી દેવામાં આવ્યા હતા. તેમને શસ્ત્રો પણ પ્રાથમિક કક્ષાના જ મળતા. ઓક્ટોબર સુધીમાં આપણા સૈનિકોને ભીષણ યુદ્ધમાં સામેલ થવું પડ્યું હતું. તેમાં બેલ્જિયમમાં મેસિન્સ રિજનું કુખ્યાત યુદ્ધ પણ સામેલ હતું.
ત્રીજી (લાહોર) અને સાતમી (મેરઠ) ડિવિઝન ધરાવતી ભારતીય કોર્પ્સે ભયંકર પરિસ્થિતિઓનો સામનો કર્યો. વિશ્વયુદ્ધના ઈતિહાસની કેટલીક સૌથી ઘાતક લડાઈઓમાં આપણા સૈનિકો શામેલ હતા. માર્ચ ૧૯૧૫માં ન્યુવ-ચેપલના યુદ્ધમાં, હુમલાખોર દળનો અડધોઅડધ ભાગ ભારતીય સૈનિકોનો બનેલો હતો. તેઓ સેન્ટ જ્યોર્જ ચર્ચમાં પણ બહાદુરીથી લડ્યા. જુલિયન (એપ્રિલ ૧૯૧૫), ઓબર્સ રિજ (મે ૧૯૧૫), ફેસ્ટબર્ટ (મે ૧૯૧૫) અને લૂસ (સપ્ટેમ્બર ૧૯૧૫) આટલી લડાઈઓમાં હજારો ભારતીય સૈનિકો ઘાયલ થયા હતા.
આપણા જવાનોએ ઝેરી તાપમાન, ભારે તોપમારો અને ગેસના ટોક્સિક હુમલાઓનો સામનો કરવો પડતો. ભારતના ગરમ વાતાવરણમાં રહેવા ટેવાયેલા સૈનિકો માટે આ તદ્દન અજાણ્યો અને વિકટ અનુભવ હતો. વિષમ પડકારો વચ્ચે ભારતના જવાનોએ અસાધારણ હિંમત બતાવી.

રાઇફલમેન ગોબર સિંહ નેગી
પ્રથમ વિશ્વયુદ્ધના સૌથી પ્રખ્યાત ભારતીય સૈનિકોમાંના એક 39મી ગઢવાલ રાઇફલ્સના રાઇફલમેન ગોબર સિંહ નેગી હતા. ન્યુવ-ચેપલના યુદ્ધ દરમિયાન, જ્યારે તેનો સેનાપતિ મૃત્યુ પામ્યો, ત્યારે તેણે કમાન સંભાળી અને દુશ્મનની ટ્રેન્ચ પર હુમલો કરવા માટે પોતાની આખી બ્રિગેડનું બહાદુરીપૂર્વક નેતૃત્વ કર્યું. દુઃખની વાત છે કે, આ હુમલામાં તેમનું અવસાન થયું, પરંતુ તેમને મરણોત્તર બ્રિટનના સર્વોચ્ચ લશ્કરી સન્માન, વિક્ટોરિયા ક્રોસથી નવાજવામાં આવ્યા. તેમનું નામ ફ્રાન્સના ન્યુવ-ચેપેલ મેમોરિયલ પર અંકિત થયેલું જોવા મળે છે.
મેજર પંડિત પ્યારેલાલ અટલ – બહાદુર ડૉક્ટર
બીજા એક ભુલાઈ ગયેલા નાયક મેજર પંડિત પ્યારેલાલ અટલ છે, જે ૧૨૯મા ડ્યુક ઓફ કનોટમાં મેડિકલ ઓફિસર હતા. તેઓ દુશ્મનના ભારે ગોળીબાર વચ્ચે ઘાયલ સૈનિકોની સારવાર કરવા માટે જાણીતા બન્યા હતા. દુશ્મનનો ગોળો તેમની મેડિકલ પોસ્ટ પર ફાટતા તેમનું મૃત્યુ થયું. તેમની હિંમતનો ઉલ્લેખ મરણોત્તર ન્યુવ-ચેપલ મેમોરિયલ પર કરવામાં આવ્યો છે.
ફ્રાન્સને ભારતીય સૈનિકો કેમ યાદ છે!
પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, માર્સેલી ફ્રાન્સમાં આવતા ભારતીય સૈનિકો માટે મુખ્ય મથક તરીકે સેવા આપતું હતું. ૧૯૧૪ થી ૧૯૧૮ ની વચ્ચે, ફ્રાન્સ અને બેલ્જિયમમાં ૯૦,૦૦૦ થી વધુ ભારતીય સૈનિકો અને સહાયક કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. આમાંથી, ૮,૫૦૦ માર્યા ગયા અને ૫૦,૦૦૦ ઘાયલ થયા. જુલાઈ ૧૯૨૫માં, ફિલ્ડ માર્શલ સર વિલિયમ બર્ડવુડે ૧,૪૮૭ ભારતીય સૈનિકોના સન્માનમાં માર્સેલીમાં મેંઝેરેગ ઈન્ડિયન મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું હતું. કોમનવેલ્થ વોર ગ્રેવ્સ કમિશન (CWGC) આ કબ્રસ્તાનની આદરના પ્રતીક તરીકે સંભાળ રાખે છે.

૧૯૨૭ માં, પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સર્વોચ્ચ અલાઈડ કમાન્ડર માર્શલ ફર્ડિનાન્ડ ફોચે ભારતીય સૈનિકોને ભાવુક શ્રદ્ધાંજલિ આપી હતી. તેમના લશ્કરી ભાષાના શબ્દો હતા: “પૂર્વના પ્રકાશથી સ્નાન કરીને રહેલા તમારા દૂરના દેશોમાં તમારા ઘરો પર પાછા ફરો, અને મોટેથી જાહેર કરો કે તમારા દેશભક્તોએ ફ્રાન્સ અને ફ્લેન્ડર્સની ઠંડી ઉત્તરીય ભૂમિને તેમના લોહીથી કેવી રીતે રંગી દીધી… અમે તેમના દ્વારા સ્થાપિત ઉદાહરણોની યાદને હ્રદયમાં સાચવીશું. તેમણે આપણા માટે રસ્તો ખોલ્યો; આ એ લોકો હતા જેમણે અંતિમ વિજય તરફ પહેલું પગલું ભર્યું હતું.’’
મેઝેરેગ યુદ્ધ કબ્રસ્તાન ઉપરાંત, ફ્રાન્સમાં વિવિધ સ્મારકો પર ભારતીય સૈનિકોનું સન્માન કરવામાં આવે છે-
- ન્યુવ-ચેપેલ મેમોરિયલ – યુદ્ધમાં શહીદ થયેલા ૪,૭૦૦ થી વધુ ભારતીય સૈનિકોની યાદમાં બનાવવામાં આવ્યું છે.
- વિલર્સ-ગિસ્લેન મેમોરિયલ – તેમાં સમ્રાટ અશોકનું ચિહ્ન છે, જે ભારતના યોગદાનનું પ્રતીક છે.
- વિવિધ CWGC યુદ્ધ કબ્રસ્તાનો – જ્યાં 8,000 ભારતીય સૈનિકોને વ્યક્તિગત કબરોમાં દફનાવવામાં આવ્યા છે.
દાયકાઓ સુધી, પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતીય સૈનિકોની ભૂમિકાને અવગણવામાં આવી હતી. જો કે, તાજેતરના વર્ષોમાં તેમના બલિદાનને નિયમિત યાદ કરવામાં આવે અને મૃત સૈનિકોનું સન્માન જળવાય તેના પ્રયાસો કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી મોદીની મેઝેરેગ યુદ્ધ કબ્રસ્તાનની મુલાકાતને કારણે લાખો લોકોનું ધ્યાન તે તરફ ગયું. પણ કેટલાને અનુભૂતિ થઇ કે આ બહાદુર ભારતીય સૈનિકોનું બલિદાન ક્યારેય ભુલાવું ન જોઈએ.
ફ્રાન્સ ભારતીય સૈનિકોનું સન્માન કરતું રહે છે જે એક સારી વાત છે પણ હવે ભારત માટે સમય આવી ગયો છે કે આ દેશ અને ભારતીયો આપણા પૂર્વજોના વારસાને યાદ રાખે – ફક્ત વસાહતી ઇતિહાસના ભાગ રૂપે નહીં, પરંતુ વિદેશી ધરતી પર આટલા ભયાનક યુદ્ધમાં લડનારાઓની હિંમત અને બલિદાનના પુરાવા તરીકે પણ તે સૈનિકો અને તેમના કુટુંબીજનો સલામીના હકદાર છે.