19 મીએ કયા રાજ્યોમાં મતદાન ? જુઓ
લોકસભા 2024ની ચુંટણી માટે 7 તબકકમાં મતદાન થવાનું છે ત્યારે આવતીકાલે 19 એપ્રિલના રોજ પ્રથમ તબકા માટેનું મતદાન દેશના 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થશે. . ચુંટણી પંચે દરેક રાજ્યોમાં વ્યવસ્થાની છેલ્લી ઘડીની સમીક્ષા કરી લીધી હતી. પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આચારસંહિતા મુજબ બુધવારે સાંજે થંભી ગયો હતો. અનેક રાજ્યોમાં આ વખતે રાજકીય પક્ષો વચ્ચે ભારે રસાકસી દેખાઈ રહી છે. અનેક મહાનુભાવોની કિસ્મત દાવ પર લાગી છે. વડાપ્રધાને અબ કી બાર 400 પારનું સૂત્ર આપ્યું છે અને તેને પગલે પ્રચારમાં પણ ગરમી દેખાઈ છે. કાર્યકરોમાં અજોડ ઉત્સાહ દેખાય છે.
પ્રથમ તબક્કામાં કેટલાક મોટા માથાઓના ભાવી ઇવીમમાં કેદ થવાના છે. જેમાં મંત્રી નીતિન ગડકરી, કેન્દ્રના મંત્રી બાલિયાન, નકુલનાથ, ચિરાગ પાસવાન, અન્નામલાઈ, કનીમોઈ, જીતીનપ્રસાદ અને નિશીથ પ્રમાણિક વગેરેનો સમાવેશ થાય છે.
પ્રથમ તબક્કામાં યુપી, રાજસ્થાન, બિહાર, મધ્ય પ્રદેશ, તામિલનાડુ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, બંગાળ, જમ્મુ-કાશ્મીર સહિતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થવાનું છે. આ વખતે ભાજપની પ્રચારની આંધી જોરદાર દેખાઈ રહી છે. વડાપ્રધાન સહિતના નેતાઓએ પ્રથમ તબક્કાના રાજ્યોમાં પ્રચાર કર્યો છે.
અનેક રાજ્યોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર છે અને કેટલાક રાજ્યોમાં પ્રાદેશિક પક્ષો પણ મજબૂત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ કોંગ્રેસ માટે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને ખડગે સહિતના નેતાઓએ પ્રચાર કર્યો છે. યુપીમાં આ વખતે ભાજપની હાલત ખૂબ જ સારી દેખાઈ રહી છે અને તેને સૌથી વધુ બેઠકો મળશે તેવા તારણ સર્વેમાં નીકળ્યા છે.