ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીનું મતદાન શરૂ : NDAના ઉમેદવાર રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત, PM મોદીએ આપ્યો પહેલો મત
જગદીપ ધનખડના અચાનક રાજીનામા બાદ ખાલી પડેલા ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. લોકસભા અને રાજ્યસભામાં સ્પષ્ટ બહુમતીને કારણે NDAના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો વિજય નિશ્ચિત માનવામાં આવે છે. તેમની સામે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ સુદર્શન રેડી મેદાનમાં છે. સાંસદોનું સંખ્યાબળ જોતાં આ ચૂંટણી માત્ર પ્રતિકાત્મક બની રહેશે તેવું ચિત્ર ઊભું થયું છે.
ઉપરાષ્ટ્રપતિ પદ માટેનું મતદાન મંગળવારે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ચાલશે. મતદાનમાં લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યો ભાગ લેશે. કુલ 786 સાંસદો મતદાન માટે પાત્ર છે, જેમાં લોકસભાના 542 અને રાજ્યસભાના 240 સભ્યોનો સમાવેશ થાય છે.

પીએમ મોદીએ કર્યું મતદાન
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. PM મોદીએ સૌ પ્રથમ પહેલો મત આપીને મતદાન કર્યુ છે. NDA એ 68 વર્ષીય સીપી રાધાકૃષ્ણનને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ભારતે 79 વર્ષીય બી સુદર્શન રેડ્ડીને નોમિનેટ કર્યા છે.
#WATCH | Prime Minister Narendra Modi leaves from the Parliament House after casting his vote for the Vice Presidential election.
— ANI (@ANI) September 9, 2025
(Video: DD News) pic.twitter.com/Kic17Kdebj
બેલેટ પેપર વડે ગુપ્ત મતદાન
ઉપરાષ્ટ્રપતિ ની ચૂંટણીમાં બેલેટ પેપર વડે ગુપ્ત મતદાન થાય છે પરંતુ સામાન્ય રીતે સાંસદો પક્ષના આદેશ મુજબ જ મતદાન કરતા હોય છે. મતદાન પહેલા NDA અને ઇન્ડિયા બંને ગઠબંધનો એ પોતપોતાના સાંસદોની બેઠક બોલાવી વ્હિપ આપી દીધો હતો.
ઉપરાષ્ટ્રપતિની ગત ચૂંટણીમાં NDAના ઉમેદવાર જગદીશ ધનખડને YRS કોંગ્રેસ, BRS અને BJDના મત પણ મળ્યા હતા અને કુલ 75 ટકા મત મેળવી તેઓ વિક્રમ સર્જક બહુમતીથી વિજયી થયા હતા. આ વખતે જો કે BJD અને BRSએ મતદાનથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ ચૂંટણીમાં વિજયી થવા માટે 394 મત જરૂરી છે તેની સામે NDA ને 442 સાંસદોનું સ્પષ્ટ સમર્થન મળ્યું છે. ઇન્ડિયા ગઠબંધન પાસે 250 મત છે.
સંસદ ભવનમાં મતદાન પૂર્ણ થયા બાદ તુરંત જ મતગણતરી શરૂ થશે અને રાત્રે જ પરિણામ જાહેર થવાની શક્યતા છે. સંસદ ભવનમાં જ મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે અને પરિણામ જાહેર થતાં જ નવા ઉપરાષ્ટ્રપતિના નામની સતાવાર જાહેરાત કરવામાં આવશે.
