આજે 58 બેઠકો માટે મતદાન:અનેક દિગ્ગજ નેતાઓનું નસીબ દાવ પર
આઠ રાજ્યોમાં કુલ 889 ઉમેદવારો મેદાનમાં
લોકસભાની ચૂંટણીના છઠ્ઠા ચરણમાં આજે બિહારની 8, હરિયાણાની તમામ 10, દિલ્હીની તમામ 7, ઝારખંડની 4, ઓડીશાની 6, ઉત્તર પ્રદેશની 14 ,પશ્ચિમ બંગાળની 8 અને જમ્મુ કાશ્મીરની એક મળીને કુલ 58 બેઠકો પર મતદાન થશે. 58 બેઠકો માટે કુલ 889 ઉમેદવારો મેદાનમાં છે.આજે આ બેઠકો માટે મતદાન પૂર્ણ થયા બાદ હવે પહેલી જૂનના રોજ છેલ્લા અને સાતમા ચરણમાં 57 બેઠકો ઉપર મતદાન થશે અને સાથે જ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશનું આગામી પાંચ વર્ષ માટે સુકાન કોણ સંભાળશે તે નક્કી થઈ જશે.
આ બેઠકો પર મહારથીઓ મેદાનમાં
- કુરુક્ષેત્ર – નવીન જિંદાલ
હરિયાણાની કુરુક્ષેત્ર બેઠક ઉપર જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડના ચેરમેન નવીન જિંદાલ 2004 અને 2009માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે વિજયી થયા હતા. રાહુલ ગાંધીની નજીક ગણાતા નવીન જિંદાલ માર્ચ મહિનામાં જ કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઈ ગયા હતા અને ભાજપે તેમને ટિકિટ આપી દીધી હતી. આ બેઠક ઉપર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટીના સુશીલ ગુપ્તા અને ઇન્ડિયન નેશનલ લોક દળના અભયસિંહ ચૌટાલા મેદાનમાં છે.ત્રીપાંખીયા જંગમાં પાટલી બદલુ નવીન જિંદાલને મતદારો સ્વીકારશે કે કેમ તે જોવાનું રસપ્રદ બની રહેશે.
*નોર્થ ઈસ્ટ દિલ્હી : મનોજ તિવારી વિરુદ્ધ કનૈયા કુમાર
સમગ્ર દેશનું ધ્યાન આ બેઠક ઉપર છે. ભાજપે દિલ્હીની સાતમાંથી માત્ર આ એક બેઠક ઉપર જ મનોજ તિવારીને રીપીટ કર્યા હતા. ભોજપુરી એક્ટર મનોજ તિવારી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સતત ચમકતા રહે છે. સતત બે ટર્મથી તેઓ આ બેઠક ઉપર ચુંટાતા આવ્યા છે પરંતુ આ વખતે કોંગ્રેસના લડાયક યુવા નેતા કનૈયા કુમારે પડકાર સર્જ્યો હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. કનૈયા કુમાર માટે રાહુલ ગાંધી અને અરવિંદ કેજરીવાલ બંનેએ પ્રચાર કર્યો હતો.
નવી દિલ્હીની બેઠક ઉપર 2019 ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મીનાક્ષી લેખીનો 2.80 લાખની સરસાઈથી વિજય થયો હતો. તેમની ટિકિટ કાપી ભાજપે આ વખતે પૂર્વ વિદેશ મંત્રી સ્વ.સુષ્મા સ્વરાજના પુત્રી બાંસુરી સ્વરાજને મેદાનમાં ઉતાર્યા છે. બાસુરી સ્વરાજ સુપ્રીમ કોર્ટના જાણીતા લોયર છે. આમ આદમી પાર્ટી એ તેમની સામે સોમનાથ ભારતી ને મેદાનમાં ઉતાર્યા છે. સુષ્મા સ્વરાજ માટે વડાપ્રધાન મોદી સહિત ભાજપના અનેક બિકન નેતાઓ પ્રચારમાં ઉતર્યા હતા.
- સુલતાનપુર: મેનકા ગાંધી
સ્વર્ગસ્થ સંજય ગાંધીના વિધવા મેનકા ગાંધી 2019 માં આ બેઠક ઉપરથી સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષના ગઠબંધનના ઉમેદવાર ચંદ્રભદ્ર સિંઘ સોનુ સામે 14,000 મતની પાંખી સરસાઈથી વિજયી થયા હતા. આ વખતે ત્રિપાંખિયા જંગમાં તેમની સામે સમાજવાદી પાર્ટીના રામ બુહાલ નિષાદ અને બહુજન સમાજ પાર્ટીના ઉદય વર્મા મેદાનમાં છે. નોંધનીય છે કે મેનકા ગાંધીના પુત્ર વરૂણ ગાંધીને ભાજપે આ વખતે પડતા મૂક્યા છે. મેનકા ગાંધી માટે ભાજપના એક પણ મોટા નેતાએ પ્રચાર નથી કર્યો. - અનંતનાગ રાજૌરી: મહેબૂબા મુફ્તિ
કેન્દ્ર સરકારે 370 મી કલમ રદ કરી તે પછી યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં આ બેઠક ઉપર પીડીપીના વડા અને જમ્મુ કાશ્મીરમાં પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ સામે નેશનલ કોન્ફરન્સ ના મિયાં અલ્તાફ અને અપની પાર્ટીના ઝફર ઈકબાલ વચ્ચે જંગ છે. જમ્મુ કાશ્મીરમાં કોંગ્રેસ અને નેશનલ કોન્ફરન્સનું ગઠબંધન છે. ભાજપે આ બેઠક ઉપર ઉમેદવાર ઊભા નથી રાખ્યા. જમ્મુ કાશ્મીરમાં ધારાસભાની ચૂંટણી પૂર્વે આ બેઠક ઉપરનું પરિણામ રાજ્યના ભાવી રાજકારણનું દિશા નિર્દેશ આપનારું બની રહેશે.
- પૂરી: સંબીત પાત્રા
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રા બીજી વખત પુરીની બેઠક ઉપરથી નસીબ અજમાવી રહ્યા છે. 2019 ની ચૂંટણીમાં બીજેપીના ઉમેદવાર પિનાકીન મિશ્રા સામે તેમનો પરાજય થયો હતો. સંબિત પાત્રાએ
તાજેતરમાં ભગવાન જગન્નાથને મોદીના ભક્ત ગણાવતા ભારે વિવાદ થયો છે. તેમણે પોતાની જીભ લપસી ગઈ હોવાનું જણાવી પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. સંબિત પાત્રા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ તેમ જ આસામના મુખ્યમંત્રી હીમતા બિશ્વા સરમા સહિતના નેતાઓએ આક્રમક પ્રચાર કર્યો હતો. પુરીની બેઠક ઉપર જોકે આજ સુધી ભાજપનો એક પણ વખત વિજય નથી થયો.
*કરનાલ: મનોહરલાલ ખટ્ટર
લોકસભાની ચૂંટણી પૂર્વે જ ભારતીય જનતા પક્ષે મનોહરલાલ ખટ્ટરનું રાજીનામું લઈ નાયબ સિંહ સૈનિને મુખ્યમંત્રી બનાવ્યા હતા. ખટ્ટર પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. કરનાલની બેઠક ભાજપનો ગઢ ગણાય છે. 1962 માં જનસંઘે આ બેઠક ઉપરથી જ ખાતું ખોલાવ્યું હતું. ગત ચૂંટણીમાંન આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સંજય ભાટિયાનો 6.54 લાખની જંગી સરસાઈ તે વિજય થયો હતો. 70 વર્ષની વયના મનોહરલાલ કટ્ટર સામે કોંગ્રેસે 30 વર્ષની વયના હરિયાણા યુથ કોંગ્રેસના વડા દિવ્યાંશુ બુદ્ધિરાજાને મેદાનમાં ઉતાર્યા છે.
*તામલુક: અભિજીત ગંગોપાધ્યાય
પશ્ચિમ બંગાળની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની રહી છે. અભિજીત ગંગોપાધ્યાય કોલકાતા હાઇકોર્ટના જજ હતા અને એ પદ પરથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા બાદ ભાજપે તેમને તામલુકની બેઠક ઉપરથી મેદાનમાં ઉતાર્યા છે. અભિજીત ગંગોપાધ્યાયે ન્યાયાધીશ હતા ત્યારે પણ તૃણમૂલ સરકારની વિરુદ્ધ કામ કર્યું હોવાનો મમતા બેનર્જીએ આક્ષેપ કર્યો હતો. તાજેતરમાં મમતા બેનર્જી માટે અભદ્ર ટિપ્પણી કરવા બદલ ચૂંટણી પંચે ગંગોપાધ્યાયને એક દિવસ માટે પ્રચારબંધીની સજા ફટકારી હતી. તેમની સામે તૃણમૂલ કોંગ્રેસના દેવાંશુ ભટ્ટાચાર્ય મેદાનમાં છે. દેવાંશુ તૃણમૂલ કોંગ્રેસનું બહુ પ્રખ્યાત થયેલું’ ખેલા હોબે’ ગીતના લેખક છે.