મહારાષ્ટ્રમાં ધારાસભાની ચૂંટણીમાં વોટ જેહાદ સફળ નહીં થાય: ફડણવીસ
ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારમાં વોટ જેહાદ શબ્દનો ઉપયોગ કરવા સામે કડક ચેતવણી આપી હોવા છતાં મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે વોટ જેહાદની ચર્ચા કરી હતી. એક ન્યુઝ ચેનલ ના કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે
લોકસભાની ચૂંટણીમાં મહારાષ્ટ્ર પ્રથમ વખત વોટ જેહાદનું સાક્ષી બન્યું હતું પણ ધારાસભાની ચૂંટણીમાં એ પરિબળ કામ નહીં લાગે.
તેમણે ઉદાહરણ આપતા જણાવ્યું કે ધુલેની સંસદીય બેઠક ઉપર પાંચ વિધાનસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર સરસાઈ ભોગવતા હતા પરંતુ માલેગાંવ મધ્યની વિધાનસભાની બેઠકને કારણે અમારો પરાજય થયો.પણ ધારાસભાની ચૂંટણીમાં હવે એ તમામ પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપનો વિજય થશે. લોકસભાની ચૂંટણીમાં ભાજપ અને મહાયુતીના રકાસ નું કારણ આપતા આ અગાઉ તેમણે ‘ચોક્કસ સમુદાયે ‘ વિપક્ષોને મત આપ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો.
નોંધનીય છે કે ઉમેદવારોના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ એ પહેલા થયેલા પ્રચારમાં અને નિવેદનોમાં વોટ જેહાદ શબ્દનો છૂટથી ઉપયોગ થતો રહ્યો હતો. બાદમાં ચૂંટણી પંચે પત્રકાર પરિષદમાં સંબોધન કરતી વેળાએ એ શબ્દના ઉપયોગ કરવા સામે રાજકીય પક્ષોને ધારદાર ચેતવણી આપી હતી પણ એ ચેતવણીની કાંઈ અસર ન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.મહારાષ્ટ્રમાં ભાજપે હિંદુ મતોના ધ્રુવીકરણની રણનીતિ અપનાવી હોય તેમ આ અગાઉ મુંબઈમાં યોગીની તસ્વીર સાથે બટેંગે તો કટેંગે ના પોસ્ટરો લાગ્યા હતા. એક સભામાં યોગીએ કહ્યું હતું કે ઉત્તર પ્રદેશમાં હવે મસ્જિદોમાંથી અવાજ નથી આવતા અને રસ્તા ઉપર નમાજ પઢવાનું
મુસ્લિમો ભૂલી ગયા છે. હવે નામાંકન પત્રો ભરવાની છેલ્લી તારીખ નજીક આવી રહી છે તે પહેલા ફડણવિસે વોટ જિહાદનો મુદ્દો ઉખેળી આગામી દિવસોમાં ભાજપના પ્રચાર જંગની ઝલક આપી દીધી હતી.
દેવેન્દ્ર ફડણવીસે ધારાસભાની ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધનના તમામ સાથી પક્ષોના મતો પરસ્પર ટ્રાન્સફર થવા પર ભાર મૂક્યો હતો. તેમણે જમીની વાસ્તવિકતા નો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતીય જનતા પક્ષ આ ચૂંટણીમાં સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ચોક્કસ બનશે પણ તે એકલા હાથે સરકાર રચી રહી શકે. સાથે જ તેમણે મહાયુતી ને બહુમતી મળવાનો અને મારા સમાં સરકાર રચવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ભાજપના વધુ એક દિગ્ગજ નેતા શરદ પવાર સાથે જોડાઈ ગયા
કરંજ બેઠકના પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્ર પટણીના પુત્ર જ્ઞાયાક પટણી ભાજપ છોડી શરદ પવારની એનસીપીમાં જોડાઈ જતા ચૂંટણી પૂર્વે ભાજપને વધુ એક ઝાટકો લાગ્યો છે. કરંજ અને વિદર્ભના દિગ્ગજ નેતા ગણાતા રાજેન્દ્ર પટણીનું ફેબ્રુઆરી મહિનામાં 59 વર્ષની વયે અવસાન થયું હતું. તેમના પુત્ર પણ રાજકારણમાં સક્રિય હતા. તેઓ શરદ પવાર ની એનસીપીમાં જોડાઈ જતા કરંજ અને વાસીમ જિલ્લામાં ભાજપ સામે પડકાર ઊભો થયો છે.
જ્ઞાયાક પટણીએ જણાવ્યું કે મારા પિતાનું જીવન ભાજપને સમર્પિત હતું પરંતુ ભાજપે તેમની સેવાઓની કદર ન કરી. તેમના પિતા સાથે ભાજપે દગો કર્યો હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે અનેક બેઠક ઉપર ભાજપમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ પ્રવર્તે છે. આ અગાઉ ઇન્દરપુર ની બેઠક એનસીપી અજીત પવાર ને ફાળવવાના વિરોધમાં બીજા એક મોટા ગજાનાં નેતા હર્ષવર્ધન પાટીલ પણ ભાજપને અલવિદા કરી શરદ પવાર સાથે જોડાઈ ગયા હતા. એ પહેલા ભૂતપૂર્વ ધારાસભ્ય સંદીપ નાયક પણ શરદ પવારની એનસીપીમાં સામેલ થઈ ગયા હતા. મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી રાજેન્દ્ર શિંગને એ ટિકિટ ફાળવણીના મુદ્દે અસંતોષ દર્શાવી ભાજપને અલવિદા કહી દીધું હતું અને અજીત પવારની એનસીપીમાં જોડાઈ ગયા હતા.
મહાવિકાસ અઘાડીમાં કોંગ્રેસ અને ઠાકરે વચ્ચે કોઈ મતભેદ નથી: નાના પટોલે
મહારાષ્ટ્રની પાંચથી દસ બેઠકો માટે મહા વિકાસ અગાડીમાં પેચ ફસાયો છે. તે સંદર્ભે મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ નાના પટોલેએ કહ્યું કે 30 મી ઓક્ટોબર બાદ મહાવિકાસ અઘાડીના ઘટક પક્ષો સાથે મળી અને બેઠક સમજૂતી પર પહોંચશે. તેમણે કહ્યું કે કોંગ્રેસ એક રાષ્ટ્રીય પક્ષ છે અને રાષ્ટ્રીય પક્ષ તરીકે અમારે ખૂબ જવાબદારીપૂર્વક નિર્ણય લેવાના હોય છે. પ્રાદેશિક પક્ષો તેમની માગણી રજૂ કરે છે અને તેઓ પણ પક્ષનો વિકાસ ઇચ્છતા હોય છે જેમાં કાંઈ ખોટું નથી. તેમના અને સંજય રાઉત વચ્ચેના મતભેદો અંગે તેમણે જણાવ્યું કે રાઉત મારા મિત્ર છે. કેટલાક લોકો નાહક વિવાદ ઊભો કરવા માટે પ્રયત્નો કરે છે. જોકે આ અગાઉ બંને નેતાઓ વચ્ચે બેઠક સમજૂતી અંગે જાહેરમાં જામી પડી હતી.
મહારાષ્ટ્ર કોંગ્રેસના સ્થાનિક નેતાઓ નિર્ણય લેવા માટે સક્ષમ ન હોવાનો અને દરેક વાત માટે કેન્દ્રીય મોવડી મંડળની મંજૂરી જરૂરી હોવાનો સંજય રાઉતે કટાક્ષ કર્યો હતો. તેનો જવાબ આપતા નાના પટોલે એ કહ્યું હતું કે કોંગ્રેસમાં તો અમે વાસ્તવિક સ્થિતિ અને દરેક નિર્ણય અંગે કેન્દ્રીય મહુડી મંડળ સાથે ચર્ચા કરીએ છીએ. શિવસેનામાં સંજય રાઉત જો ઉદ્ધવ ઠાકરેને કંટ્રોલ કરતા હોય તો તે તેમનો પ્રશ્ન છે. આ બંને નેતાઓના સામ સામા નિવેદનોને કારણે ચૂંટણી પૂર્વેદ મહાવિકાસ અગાડીના મતભેદો સપાટી ઉપર આવી ગયા હતા.