ધૂળેટીના દિવસે શુક્રવારે બિહાર અને ઝારખંડના શહેરોમાં અપ્રિય ઘટનાઓ બની હતી. હોળીના સરઘસ પર જ બે જૂથો વચ્ચે બબાલ અને હિંસક ટક્કર થઈ હતી અને વાહનો તથા દુકાનોને આગ ચાંપી દેવાઈ હતી. મુંગેરના મુફસ્સિલ પોલીસ સ્ટેશનમાં તૈનાત એએસઆઇ સંતોષ કુમાર સિંહનું હુમલામાં મોત થયું હતું. હિંસક ટોળાએ એમની હત્યા કરી હતી અને આ બારામાં સખત કાર્યવાહી થઈ છે .
શનિવારે સારવાર દરમિયાન એમનું અવસાન થયું. હતું. શુક્રવારે મોડી રાત્રે, બદમાશોએ એએસઆઇને માથામાં તીક્ષ્ણ હથિયાર વડે માર મારીને ઘાયલ કર્યા હતા. ત્યારબાદ પોલીસે આ મામલે મોટી કાર્યવાહી કરી હતી.
પોલીસે એન્કાઉન્ટરમાં ગુનેગાર ગુડ્ડુ યાદવને ઘાયલ કર્યો હતો. ઘાયલ ગુડ્ડુને જમણા પગમાં ગોળી વાગી છે. ઉપરાંત, મુંગેર પોલીસે આ કેસમાં ચાર લોકોની ધરપકડ કરી છે, જેમાં એક મહિલાનો પણ સમાવેશ થાય છે. મૃતક સંતોષ કુમાર સિંહ કૈમુર જિલ્લાના ભાબુઆ પોલીસ સ્ટેશન હેઠળના પિપરિયા ગામનો રહેવાસી હતો.
ઝારખંડમાં સરઘસ દરમિયાન બે જૂથો વચ્ચે ટક્કર થતાં અનેક લોકો ઘાયલ
ઝારખંડના ગિરિડીહમાં હોળીના સરઘસ દરમિયાન બે સમુદાયો વચ્ચે થયેલી અથડામણમાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દરમિયાન ઘણી દુકાનોને અને વાહનોને આગ ચાંપી દેવામાં આવી હતી. પોલીસે કલાકો બાદ મામલો થાળે પાડ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે હોળીના સરઘસ દરમિયાન લોકોએ એકબીજા પર પથ્થરમારો કર્યો, ઓછામાં ઓછી ત્રણ દુકાનોને આગ લગાવી દીધી અને વાહનો પણ સળગાવી દીધા. પોલીસના જણાવ્યા અનુસાર, કોઈને ગંભીર ઈજા થઈ નથી અને સ્થિતિ કાબૂમાં આવી ગઈ હતી. સમગ્ર શહેરમાં પોલીસ ગોઠવાઈ ગઈ હતી.
