હરિયાણાના નૂહમાં ફરી હિંસા : બે જૂથો વચ્ચે પથ્થરમારા બાદ મુસ્લિમ યુવતીને જીવતી સળગાવી
હરિયાણાના નૂહમાં શનિવારે ફરી લાંબા સમય બાદ હિંસા થઈ હતી અને બે જૂથો વચ્ચે ભારે ટક્કર થઈ ગઈ હતી. સામસામા પથ્થરમારા બાદ મામલો વધુ હિંસક બની ગયો હતો અને એક મુસ્લિમ યુવતીને ટોળાંએ પેટ્રોલ છાંટી આગ ચાંપી દેતાં યુવતીનું મોત થયું હતું.
આ બનાવ બાદ વધુ હિંસા ભડકી ઉઠી હતી અને પોલીસ ફોર્સ મોટી સંખ્યામાં આવી પહોંચી હતી. સમગ્ર પંથકમાં ફરી ભારે ટેન્શન ફેલાયું હતું. દુકાનો બંધ થઈ ગઈ હતી. એક જમીન વિવાદને લઈને બે જૂથો વચ્ચે શનિવારે હિંસા થઈ હતી. આ હિંસામાં શહનાઝ નામની યુવતીનું મોત થઈ ગયું હતું.
હત્યા બાદ પોલીસે આરોપીઓ સામે હત્યાનો કેસસ દાખલ કર્યો હતો. આરોપીઓને જેલહવાલે કરી દેવાયા હતા. 7 માસ પહેલા જમીન માટે વિવાદ થયો હતો અને શનિવારે ફરી આ મુદ્દે બે જૂથો સામસામા આવી ગયા હતા અને હિંસક ટક્કર થઈ ગઈ હતી. એ સમયે પણ 21 વર્ષના રિઝવાન નામના યુવકનું મોત થયું હતું.
આ ઘટના બાદ આરોપીના પરિવારજનો ગામ છોડી ભાગી ગયા હતા અને શનિવારે ફરીવાર તેઓ આવી ગયા હતા અને પોલીસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી પોલીસે મામલો થાળે પાડી દીધો હતો પણ ત્યારબાદ ફરી બંને વચ્ચે હિંસા થઈ હતી.